અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત વિવિધ શાળાઓ અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ ભોજલધામ ફતેપુરના મહંત ભક્તિરામ બાપુના હસ્તે ધ્વજવંદન દ્વારા થયો હતો, જેમણે શહીદોના ત્યાગને યાદ કરી રાષ્ટ્રપ્રેમનો આશીર્વાદ આપ્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું કે શ્રેષ્ઠ શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત દ્વારા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે તે જ સાચી પ્રગતિ છે. આ પ્રસંગે ઉદ્યોગપતિ વસંતભાઈ મોવલિયા, લાયન્સ ક્લબના પદાધિકારીઓ, મંત્રી ચતુરભાઈ ખુંટ, ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર, પ્રિન્સિપાલ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગજેરા કેમ્પસના સુચારુ આયોજન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સભાગૃહને મંત્રમુગ્ધ કર્યું હતું, જેને ઉપસ્થિત સહુ મહાનુભાવોએ ખૂબ બિરદાવ્યું હતું.










































