ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ડેમમાં નાહવા ગયેલા ઉત્તરપ્રદેશના ૨૮ વર્ષીય સાધુનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. મૃતકની ઓળખ સનાતનપુરી બાપુ ઉર્ફે શિવમ દેવસરમણ પાઠક તરીકે થઈ છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના રહેવાસી હતા અને છેલ્લા બે-ત્રણ વર્ષથી ગીરગઢડા પંથકમાં સાધુ જીવન વિતાવતા હતા. આજે તેઓ ડેમમાં નાહવા ગયા હતા ત્યારે પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જાણ થતાં પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લાંબી શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































