સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બેંક પેનલનો દબદબો જોવા મળ્યો હતો. કુલ ૧૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૮ સામાન્ય, ૨ મહિલા અનામત અને ૧ અનુસૂચિત જનજાતિ અનામત બેઠકનો સમાવેશ થયો હતો. ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બેંક પેનલ અને કોંગ્રેસ પ્રેરિત વેપારી પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. પરિણામ જાહેર થતાં બેંક પેનલના ૭ ઉમેદવારો વિજયી બન્યા હતા, જ્યારે વેપારી પેનલના ૪ ઉમેદવારોનો વિજય થયો હતો. બેંક પેનલ તરફથી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, ગૌતમભાઈ સાવજ, કિશનભાઈ ત્રિવેદી, રાજુભાઈ નાગેચા, ધીરજભાઈ બગડા, રૂપલબેન ત્રિવેદી અને ચેતનાબેન ધંધુકિયા વિજયી બન્યા હતા. વેપારી પેનલ તરફથી અલ્પાબેન ત્રિવેદી, કિરીટભાઈ દવે, હિતેશભાઈ સરૈયા અને જીગ્નેશભાઈ ભરાડે જીત મેળવી હતી. પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ હાર પહેરાવી સ્વાગત કરી ઉજવણી કરી હતી. આ પરિણામ સાથે બેંકના આગામી સંચાલનમાં ભાજપ પ્રેરિત પેનલની નવી બોડી રચવાનો માર્ગ મોકળો થયો છે.










































