ખાંભા તાલુકાના ચક્રાવા ગામે દૂધની ગાડી હટાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ એક યુવક પર ચાર શખ્સોએ લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ભીમાભાઇ દેવાતભાઇ કામળીયા (ઉં.વ.૫૦)એ લખુભાઇ આપાભાઇ ભુવા, ગુણાભાઇ આપાભાઇ ભુવા, ભુરાભાઇ આપાભાઇ ભુવા તથા ભગવાનભાઇ આપાભાઇ ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ગામમાં આવેલી માહી ડેરી ખાતે દૂધ ભરવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં એક મહેમાનની ગાડી આવતાં આરોપીએ દૂધની બોલેરો ગાડી હટાવી લેવા જણાવ્યું હતું. તેમણે “હમણાં થોડી વારમાં ગાડી લઈ લઉં છું” તેમ કહેતાં જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેમણે ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ફોન કરીને પોતાના ભાઈઓને બોલાવી લીધા હતા. ત્યારબાદ સ્થળ પર પહોંચેલા અન્ય ત્રણ શખ્સો અને મુખ્ય આરોપીએ એકસંપ થઈ હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે ફરિયાદીની ગરદન, પીઠ તેમજ પગના ગોઠણના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત ચારેય શખ્સોએ ફરિયાદીને ઢીકાપાટુનો મૂંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામે પક્ષે ભગવાનભાઇ આપાભાઇ ભુવા (ઉ.વ.૩૮)એ ભીમાભાઇ દેવાતભાઇ કામળીયા, ભગવાનભાઇ દેવાતભાઇ કામળીયા તથા દાદુભાઇ દેવાતભાઇ કામળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની માલિકીની જમીનમાં તેમણે આરોપીઓને ચાલવાની ના પાડી હતી. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને તથા સાહેદને જેમ ફાવે તેમ બીભત્સ ભાષામાં ગાળો આપીને શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો.જે બાદ ત્રણેય આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.