ઉના તાલુકાના ઝાંખરવાડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રોજીરોટી માટે દરિયો ખેડવા ગયેલો ૨૭ વર્ષીય માછીમાર રામશી ચારણિયાનો મૃતદેહ નવાબંદરથી આશરે ૫૪ નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાંથી મળી આવ્યો હતો. પરિવારની કરુણ સ્થિતિ એ છે કે અગાઉ માતા-પિતાનું અને એક ભાઈનું અવસાન થઈ ચૂક્યું છે.
હવે રામશીના મૃત્યુથી પરિવારમાં તેની એકમાત્ર બહેન જ રહી છે. રામશી ચારણિયા ચાર દિવસ પહેલાં દરિયામાં માછીમારી માટે ગયો હતો. ત્યારબાદ પરિવાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. શરૂઆતમાં નેટવર્ક સહિતના કારણોસર સંપર્ક નહીં થઈ રહ્યો હોવાનું માની પરિવારજનોએ રાહ જોઈ હતી, પરંતુ સમય પસાર થતાં ચિંતા વધી હતી. અન્ય ખલાસીઓને પણ રામશીભાઈની શોધખોળ માટે જાણ કરી હતી. પાણીમાં તેનો મૃતદેહ તરતો જોવા મળતા માછીમારોએ તાત્કાલિક નવાબંદર પોલીસને જાણ કરી હતી. પોલીસ
મૃતદેહને બોટ મારફતે નવાબંદર લાવી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રામશીના પરિવારમાં અગાઉ માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં રામશી અને તેની બહેન એકબીજાનો સહારા બન્યા હતા. પરંતુ હવે રામશીના મૃત્યુથી બહેને પણ તેનો છેલ્લો ભાઈ ગુમાવ્યો છે.











































