ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વધુ એક વખત મોટા વિવાદના વટોળમાં ઘેરાયા છે. કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ હેઠળ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટા પાયે નાણાકીય ગોટાળા અને લ્હાણી કરવામાં આવી હોવાના સંગીન આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે નાણાકીય ઉચાપત દર્શાવતા પૂરતા દસ્તાવેજા જાહેર થતાં યુનિવર્સિટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.સામે આવેલા દસ્તાવેજા મુજબ, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ પોતાના હોદ્દાનો અયોગ્ય ઉપયોગ કરીને પીએમજેવીકે પ્રોજેક્ટના પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર તરીકે પોતે જ પોતાની નિમણૂક કરી લીધી હતી. આ સંબંધિત નિમણૂક પત્ર પણ હવે સામે આવી ચુક્યો છે. તેમણે કુલપતિ તરીકેના નિયમિત પગાર ઉપરાંત પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર તરીકે વધારાનો ૪ લાખનો પગાર પણ મેળવ્યો હોવાનો આક્ષેપ થયો છે, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે.પીએમજેવીકે પ્રોજેક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટીને કુલ ૪૦ કરોડની મોટી ગ્રાન્ટ મંજૂર થઈ હતી. આરોપ છે કે પૂર્વ કુલપતિએ અત્યંત આયોજનપૂર્વક આ સરકારી ગ્રાન્ટના નાણાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે આ ગ્રાન્ટમાંથી ૯.૮૪ લાખ જેટલી રકમ પોતાના દીકરાના વિદેશ સ્થિત બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી હતી. આ સિવાય ગ્રાન્ટના અન્ય નાણાં પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવ્યા હોવાના પુરાવાઓ પણ સામે આવ્યા છે.આ સમગ્ર પ્રકરણમાં નિરજા ગુપ્તા સામેના આક્ષેપોને બળ આપતા અનેક પુરાવાઓ સપાટી પર આવ્યા છે. જેમાં પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાયેલી રકમની બેંક સ્લિપ/વિગતો અને પોતે જ પોતાની પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર તરીકે નિમણૂક કરી હોવાનો સત્તાવાર પત્ર મુખ્ય છે. આયોજનપૂર્વક કરાયેલી આ નાણાકીય ગડબડ સામે આવ્યા બાદ હવે આ મામલે કડક તપાસ અને કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.