અમદાવાદના બોપલ વિસ્તારમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આનંદનગરમાં રહેતા એક યુવકે પોતાની જ ૧૯ વર્ષીય પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી, તેના ન્યૂડ વિડિયો ઉતારીને દર મહિને ૧૦ હજાર રૂપિયાની માંગણી કરી બ્લેકમેઇલ કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ મથકે નોંધાઈ છે.
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર બોપલ ઘુમા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીના બોયફ્રેન્ડ કર્તવ્ય મણિયારે (રહે.અગ્રવાલ એપાર્ટમેન્ટ, આનંદનગર) ઈન્સ્ટાગ્રામ આઇડીમાં સમસ્યા હોવાનું બહાનુ બતાવીને યુવતીનું ઇન્સ્ટાગ્રામ આઇડી અને પાસવર્ડ મેળવી લીધા હતા. યુવતીના ઇ-મેઇલ પર ડેટા ટ્રાન્સફરનો મેસેજ આવતાં તેણે કર્તવ્યને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જાકે, કર્તવ્યએ વિડિયો કોલમાં ન આવવા પર ડેટા લીક કરવાની ધમકી આપી હતી. વિડિયો કોલ દરમિયાન કર્તવ્યએ યુવતીને બળજબરીથી પોતાના પગ પર છરીથી ઇજા પહોંચાડવા મજબૂર કરી હતી અને ત્યારબાદ તેને ન્યૂડ કરી વિડિયો કોલ રેકોર્ડ કરી લીધો હતો.
વિડિયો રેકોર્ડ કર્યા બાદ કર્તવ્યએ યુવતીને ધમકી આપી હતી કે જો તે દર મહિને ૧૦,૦૦૦ નહીં આપે તો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. યુવતીને ડરાવવા માટે આરોપીએ વિડિયોની બ્લર કલીપ યુવતીની જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કરી દીધી હતી. ગભરાઈ ગયેલી યુવતીએ શરૂઆતમાં ૪,૦૦૦ ટ્રાન્સફર પણ કર્યા હતા.
આ સતત બ્લેકમેઇલિંગથી કંટાળીને આખરે યુવતીએ હિંમત ભેગી કરી પોતાના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારે તરત જ બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે બોપલ પોલીસે આરોપી કર્તવ્ય મણિયાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.