ભરૂચમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓને ૪૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. દવાના નવા હોલસેલ લાઇસન્સની પ્રક્રિયા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ મળ્યા બાદ નર્મદા એસીબી પોલીસ સ્ટેશન ટ્રેપ ગોઠવી હતી.
ફરિયાદીએ ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. આ પરવાના આપવાની પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેને ફરિયાદીને જણાવ્યું હતું કે લાઇસન્સની પ્રક્રિયા થઈ જશે, પરંતુ સાહેબને આપવા માટે ૫૦ હજાર આપવા પડશે. લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ નર્મદા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
ટ્રેપ દરમિયાન આરોપી પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને આરોપી સુરભીબેન મોહનલાલ દેસાઈએ ફરિયાદી પાસેથી ૪૦,૦૦૦ની લાંચ સ્વીકારી હતી. લાંચની સમગ્ર રકમ એસીબી દ્વારા રિકવર કરવામાં આવી હતી. એસીબીની માહિતી મુજબ, લાંચની માંગણી ૫૦,૦૦૦ની હતી, જ્યારે સ્વીકારવામાં આવેલી અને રિકવર થયેલી રકમ ૪૦,૦૦૦ હતી.
આ કેસમાં પ્રકાશ નાનકરામ પોસનાની ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે સુરભીબેન મોહનલાલ દેસાઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. છઝ્રમ્ના જણાવ્યા અનુસાર, બંનેએ સરકારી સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની લેવડદેવડ કરી હતી. ટ્રેપ બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી નર્મદા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. વસાવાની ટ્રેપિંગ અધિકારી તરીકેની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે બી.એમ. પટેલ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે આઇપીએસ અધિકારી બળદેવ દેસાઈએ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.