રાજકોટમાં વાહન ચાલકો માટે પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. માન્ય નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવાનો હવે પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના સૂત્ર સાથે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપના સંચાલકો તથા કર્મચારીઓએ આગળ અને પાછળ બંને તરફ સ્પષ્ટ અને કાયદેસર માન્ય નંબર પ્લેટ ધરાવતા વાહનોમાં જ ઈંધણ આપવાનું રહેશે. વાહનની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હોય, વાળી દેવામાં આવી હોય, તૂટેલી હોય, ઢાંકવામાં આવી હોય અથવા માટી-કીચડને કારણે અસ્પષ્ટ બની હોય તો પણ આવા વાહનોને ઈંધણ આપવાનું રહેશે નહીં. આ ઉપરાંત નંબર પ્લેટના અક્ષરો, કદ, રંગ અથવા બનાવટમાં ફેરફાર કરાયેલા હોય તેવા વાહનો પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે.
પોલીસ કમિશનર દ્વારા જાહેરનામામાં જણાવાયું છે કે કેટલાક વાહનચાલકો સીસીસીટી આધારિત ઈ-ચલણથી બચવા માટે નંબર પ્લેટ કાઢી નાખતા અથવા તેમાં ચેડાં કરતા હોવાની બાબત ધ્યાને આવી છે. આવી પ્રવૃત્તિથી વાહનની ઓળખ કરવી મુશ્કેલ બને છે. પોલીસના જણાવ્યા મુજબ ઓળખ વગરનાં વાહનોનો ઉપયોગ હિટ એન્ડ રન, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં થઈ શકે છે.
નંબર પ્લેટમાં ચેડાં કરવાથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી જાહેર વ્યવસ્થા, સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેરનામામાં જણાવાયું છે.
જાહેરનામા મુજબ દરેક વાહન પર આ નિયમ એકસરખી રીતે લાગુ પડશે નહીં. માન્ય કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનોને ચોક્કસ શરતો સાથે છૂટ આપવામાં આવી છે. વાહન માલિક પાસે નંબર ઓફ ચોઈસ માટેનું પ્રમાણપત્ર હોય અને તેમાં સંબંધિત વાહનનો કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર દર્શાવવામાં આવ્યો હોય તો આવા વાહનોને પણ જોગવાઈમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત માન્ય ટ્રેડ સર્ટિફિકેટ નંબર ધરાવતા નવા વાહનોને પણ છૂટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા અન્ય કટોકટીની સેવા સાથે જોડાયેલા વાહનોને પણ આ પ્રતિબંધ લાગુ નહીં પડે.