સાવરકુંડલા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા સાવરકુંડલાથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ સુધીની ૩૩મી વાર્ષિક પદયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. છેલ્લા ૩૨ વર્ષથી યોજાતી આ પદયાત્રામાં આ વર્ષે સાવરકુંડલા ઉપરાંત સુરત, મુંબઈ અને અમદાવાદથી આવેલા શિવભક્તો સહિત ૭૦થી ૮૦ જેટલા પદયાત્રીઓ અને સ્વયંસેવકો જોડાયા છે. તા.૧૦ ઓગસ્ટે પ્રસ્થાન કરેલો સંઘ તા.૧૪ ઓગસ્ટે સોમનાથ પહોંચશે અને ધજા રોહણ કર્યા બાદ યાત્રા પૂર્ણ થશે. યાત્રાળુઓ માટે માર્ગમાં ચા-નાસ્તો, ભોજન-પ્રસાદ અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજનમાં શૈલેષભાઈ જોશી સહિત શિવભક્તો સેવા આપી રહ્યા છે.