અમદાવાદના થલતેજ વિસ્તારમાં કાર ભાડે આપતી એક કંપની સાથે કરોડોની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાંથી અલગ-અલગ સમયે ભાડે લેવામાં આવેલી થાર, ઓડી, ફોર્ચ્યુનર સહિતની કુલ ૧૫ કાર પરત ન કરીને આરોપીઓ સંપર્કવિહોણા થઈ ગયા હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, આ સમગ્ર મામલામાં કુલ રૂ.૨.૩૬ કરોડથી વધુની કારો હડપ કરવામાં આવી હોવાનો આરોપ છે.
ફરિયાદ મુજબ, થલતેજ વિસ્તારમાં આવેલી ‘ગો વિથ ઝૂપ’ કાર રેન્ટલ કંપનીમાંથી જૂન ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ વ્યક્તિઓએ ગ્રાહક તરીકે કાર ભાડે લીધી હતી. શરૂઆતમાં સામાન્ય રીતે કાર રેન્ટલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વાહનો લઈ જવામાં આવ્યા હતા. કંપનીના માલિક સૌરભ તુલસીરામ ગુપ્તાના જણાવ્યા અનુસાર, સમય પસાર થયા બાદ કેટલાક ગ્રાહકોએ કાર પરત કરી નહોતી અને ભાડાની રકમ પણ ચૂકવાઈ નહોતી.
ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર ભાડે લીધા બાદ આરોપીઓએ વાહનોમાં લાગેલી જીપીએસ સિસ્ટમ બંધ કરી દીધી હતી. ત્યારબાદ કંપની દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક આરોપીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. કારોની કોઈ માહિતી ન મળતા અને વાહનો પરત ન આવતા કંપની સંચાલકે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ મુજબ, આરોપીઓએ કંપનીમાંથી વિવિધ મોડલની કુલ ૧૫ કાર ભાડે લીધી હતી. તેમાં થાર, સ્વીફ્ટ, સફારી, સ્કોર્પિયો, ઓડી, ફોર્ચ્યુનર, અર્ટિગા અને બલેનો સહિતના વાહનોનો સમાવેશ થાય છે.
આ તમામ વાહનોની કુલ કિંમત અંદાજે રૂ.૨,૩૬,૩૦,૦૦૦ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓ દ્વારા કાર પરત ન કરવામાં આવતા કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કંપનીના માલિકે અલગ-અલગ સમયે કાર ભાડે લેનારા કુલ ૧૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે કાર ભાડે લેતી વખતે આપવામાં આવેલા દસ્તાવેજા, મોબાઇલ નંબર, સરનામા અને અન્ય વિગતોની ચકાસણી કરી રહી છે.જીપીએસ સિસ્ટમ ક્યારે અને ક્યાં બંધ કરવામાં આવી તેમજ કારો હાલ ક્યાં છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.કરોડો રૂપિયાની ૧૫ કાર હજુ સુધી પરત ન મળતા પોલીસ માટે આ કેસ મહત્વપૂર્ણ બન્યો છે. પોલીસે ફરિયાદમાં દર્શાવવામાં આવેલા આરોપીઓની ભૂમિકા તપાસવાની સાથે વાહનો અન્ય કોઈને વેચી દેવામાં આવ્યા છે કે અન્ય સ્થળે છુપાવવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.હાલ પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે વધુ પુરાવા એકત્ર કરવાની અને કારોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ સમગ્ર છેતરપિંડી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું કે નહીં તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.








































