શહેરના ઘુમા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના બોયફ્રેન્ડ સામે ગંભીર આક્ષેપો સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે આરોપીએ વિશ્વાસનો ગેરલાભ લઈને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો મેળવી અને બાદમાં અંગત વીડિયોનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ કરી હતી. ફરિયાદના આધારે બોપલ પોલીસે આરોપી કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ યુવતીના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા બોયફ્રેન્ડ કર્તવ્ય મણિયારે ફોન કરીને તેનું ઇસ્ટાગ્રામ એકાઉન્ટ યોગ્ય રીતે કામ કરતું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતી પાસેથી ઇસ્ટાગ્રામ આઇડી અને પાસવર્ડ માગ્યો હતો. યુવતીએ બોયફ્રેન્ડ પર વિશ્વાસ રાખીને તેને પોતાની એકાઉન્ટ વિગતો આપી હતી. બાદમાં એકાઉન્ટ સંબંધિત ડેટા ટ્રાન્સફર અંગેનો મેસેજ મળતાં યુવતીને શંકા ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ આરોપીએ યુવતી સાથે વીડિયો કોલ કર્યો હતો અને તેની અંગત સ્થિતિનો વીડિયો રેકોર્ડ કર્યો હોવાનો આક્ષેપ છે.
યુવતીનો આરોપ છે કે વીડિયો પોતાની પાસે હોવાની વાત કહી આરોપીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. વીડિયો જાહેર કરવાની ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ દર મહિને રૂપિયા ૧૦ હજાર આપવાની માંગણી કરી હોવાનો પણ યુવતીનો આક્ષેપ છે. ભયના કારણે યુવતીએ આરોપીને રૂપિયા ૪ હજાર ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં યુવતીએ વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આરોપીએ તેના પર પોતાના નામના પ્રથમ અક્ષરને પગ પર કાતરથી લખવા માટે દબાણ કર્યું હતું. આ ઘટનામાં યુવતીને ઈજા થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત યુવતીના ચહેરાને બ્લર કરીને તેના જ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાંધાજનક લખાણ સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. અન્ય એક ઇસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પણ તેને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપી યુવતી પર અન્ય કોઈ વ્યક્તિસાથે સંબંધ ન રાખવા માટે પણ દબાણ કરતો હતો. આ પ્રકારના કથિત વર્તનથી યુવતી માનસિક રીતે પરેશાન થઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા યુવતીના મિત્રોએ આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ આરોપીને બ્લોક પણ કર્યો હતો. યુવતીના પરિવારજનોએ પણ આરોપીના પરિવાર સાથે વાતચીત કરી હતી, પરંતુ મામલો ઉકેલાયો ન હતો.
અંતે યુવતીએ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, કથિત ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો અને આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે








































