ઇફકો દ્વારા નવી દિલ્હી ખાતે પોતાની ૫૫મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન ઇફકોએ સહકારી ક્ષેત્રમાં મહિલા ઉત્કૃષ્ટતા અને સશક્તિકરણની ભાવનાને વિશેષ સન્માન આપ્યું હતું. ખાસ કરીને જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ સમયગાળાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ ભારતીય સહકારી ચળવળમાં મહિલાઓના સમાવેશ પ્રત્યેની પોતાની પ્રતિબધ્ધતાને ફરીથી દોહરાવી હતી. ઇફકોના ઇતિહાસમાં પ્રથમ વખત બે પ્રતિષ્ઠિત પુરસ્કારો ઉત્કૃષ્ટ મહિલા સિધ્ધિકર્તાઓને એનાયત કરવામાં આવ્યા છે. જેમાં કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરતા શકીલા અખ્તરને ગ્રાસરૂટ સ્તરે મહિલા કૃષિ અને સહકારી ચળવળને મજબૂત કરવા બદલ ૧૧ લાખ રૂપિયાના માનદ સાથે ‘ઇફકો સહકારિતા રત્ન પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો. આ જ રીતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ભાવના ગોંડલિયાને કૃષિ ક્ષેત્રે મહિલા સશક્તિકરણમાં તેમના અનુકરણીય યોગદાન બદલ ૧૧ લાખ રૂપિયાના રોકડ ઇનામ સાથે ‘ઇફકો સહકારિતા બંધુ પુરસ્કાર’ એનાયત કરાયો હતો. આ વાર્ષિક સભાને સંબોધતા અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે સહકારી મંડળીઓ, ખેડૂતો અને વ્યાવસાયિક કર્મચારીઓ જ ઇફકોની સફળતાની સાચી કરોડરજ્જુ છે. આ સંસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃધ્ધિ’ ના વિઝનને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. આ બેઠકમાં દેશભરમાંથી ૮૫૦થી વધુ સહકારી નેતાઓ અને ખેડૂત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. નાણાકીય મોરચે પણ સંસ્થાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં મેનેજિંગ ડિરેક્ટર કે જે પટેલે સંસ્થાની નાણાકીય સિધ્ધિઓની મજબૂત સમીક્ષા રજૂ કરી હતી. ઇફકો દ્વારા પોતાના સભ્ય સહકારી મંડળીઓને મહત્તમ ૨૦ ટકા ડિવિડન્ડ આપવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે. વધુમાં, કર્મચારીઓ માટે ૪૯૦.૬૫ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ પ્રોત્સાહન જાહેર કરાયું છે અને નીચલા સ્તરના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન ર૦ હજાર રૂપિયા નક્કી કરીને તેના માટે ૧૪૦ કરોડ રૂપિયાના વધારાના બજેટની ઘોષણા કરવામાં આવી છે. ઇફકોએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૯૦.૬૩ લાખ મેટ્રિક ટન ખાતરનું ઉત્પાદન કર્યું છે, જેમાં યુરિયા અને અન્ય વિશેષ ખાતરો સામેલ છે. આ વર્ષે સંસ્થાનો કરવેરા પહેલાનો નફો ઉચ્ચ સ્તરે ૪,૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. નેનો-ખાતરોને વ્યાપક રીતે અપનાવવા અને ટકાઉ ખેતી પધ્ધતિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.









































