એક હતો તોફાની વાંદરો. એનું નામ ચીકુ! ચીકુ આખો દિવસ ‘હૂપાહૂપ… હૂપાહૂપ…’ કરતો જાય ને આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદતો જાય!
એક દિવસ ચીકુને એક લાલચોળ ફુગ્ગો મળ્યો. ફુગ્ગો જોઈને ચીકુ ખુશ-ખુશ થઈ ગયો! એ નાચવા લાગ્યો, ‘તા થઈ થઈ, તા થઈ થઈ!’ પણ ફુગ્ગો તો સાવ ચીમળાયેલો હતો.
ચીકુએ વિચાર્યું, ‘અરે, આ ફુગ્ગો મોટો કેમ થતો નથી? લાય, એને ખેંચી જોઉં.’ ચીકુએ ફુગ્ગાને આમ ખેંચ્યો, તેમ ખેંચ્યો, પણ ફુગ્ગો મોટો થાય જ નહીં.
ત્યાં જ ઝાડનાં પાંદડાં હલ્યાં અને અવાજ આવ્યો. ચીકુને મસ્ત ઠંડક લાગી.
ચીકુએ પૂછ્યું, “કોણ છે ત્યાં?”
સામેથી પણ અવાજ આવ્યો, “ચીકુડા! એ તો હું હવાબેન છું. હું તારી આજુબાજુ, ઉપર-નીચે, બધે જ રહું છું!” ચીકુએ આંખો ગોળ-ગોળ ફેરવીને ચારેય બાજુ જોયું. પણ એને તો કાંઈ જ દેખાયું નહીં. ચીકુ ખડખડાટ હસવા લાગ્યો, “હાહાહા! હવાબેન, તમે તો સાવ ખોટું બોલો છો. જો તમે અહીં બધે જ હોવ, તો તમે દેખાતાં કેમ નથી?”
હવાબેન હસ્યાં અને બોલ્યાં, “અરે ચીકુડા! હું ભલે ન દેખાઉં, પણ જ્યારે હું દોડું છું ને, ત્યારે બધાં મને ‘પવન’ કહે છે! જો, અત્યારે હું દોડી એટલે પવન આવ્યો. તારા ગાલ પર ગલીપચી થઈ ને?”
ચીકુને બહુ મજા પડી ગઈ! એ બોલ્યો, “વાહ હવાબેન! જ્યારે તમે શાંત બેઠાં હો ત્યારે ‘હવા’ અને જ્યારે દોડવા લાગો ત્યારે ‘પવન’! તમે તો ભારે જાદુગર હોં! પણ તમે મારો આ ફુગ્ગો મોટો કરી આપોને!”
હવાબેન કહે, “અરે! તું જરાય ચિંતા ન કરીશ. હું જરૂર તારી મદદ કરીશ. લાવ, તું ફૂંક માર એટલે તારી આસપાસ રહેલી હું (હવા) ફુગ્ગાની અંદર ભરાઈ જાઈશ!”
ચીકુએ ફુગ્ગાનું મોં ખોલ્યું અને પોતાના મોં પાસે રાખ્યો. ચીકુએ લાંબો શ્વાસ લઈ ફુગ્ગામાં ફૂંક મારી – ‘સૂઉઉઉ… સૂઉઉઉ…!’
અરે વાહ! ફુગ્ગો તો થોડો મોટો થયો. ચીકુએ બીજી ફૂંક મારી – ‘સૂઉઉઉ… સૂઉઉઉ…!’ ફુગ્ગો વધુ મોટો થયો. ચીકુએ ત્રીજી ફૂંક મારી – ‘સૂઉઉઉ… સૂઉઉઉ…!’ ધીમેધીમે લાલ ફુગ્ગો મોટો મોટો થઈને એકદમ ગોળમટોળ થઈ ગયો! ચીકુ અચરજ પામી ગયો. એણે ફુગ્ગાને દબાવી જોયો – ‘પોચો-પોચો’
ચીકુએ પૂછ્યું, “અરે હવાબેન! આ ફુગ્ગાની અંદર કોણ ગયું? આટલો મોટો કોણે કર્યો?”
ફુગ્ગાની અંદરથી ધીમો અવાજ આવ્યો, “ચીકુડા, આ અંદર હું જ છું! તે ફૂંક મારીને બહારની હવાને ફુગ્ગાની અંદર પૂરી દીધી. હું અંદર ગઈ એટલે મેં અંદર રહેવા માટે જગ્યા રોકી, એટલે ફુગ્ગો મોટો થઈ ગયો!”
ચીકુ કહે, “અચ્છા! એનો અર્થ એ કે તમારે પણ રહેવા માટે જગ્યા જોઈએ એમ ને? આ તમે ફુગ્ગાની અંદર ભરાઈ ગયાં એટલે ફુગ્ગો જાડો પાડો થઈ ગયો?”
હવાબેન કહે, “હા, બિલકુલ સાચું!”
ચીકુ રાજીના રેડ થઈ ગયો. એ ફુગ્ગાને હવામાં ઉછાળવા લાગ્યો, “ટપ્પ… ટપ્પ… ટપ્પ!”
પણ ચીકુથી તોફાન વગર કેમ રહેવાય? એણે વિચાર્યું, “લાવ, હજુ વધારે હવા ભરી દઉં અને ફુગ્ગાને હજુય વધારે મોટો બનાવું!”
ચીકુએ એના નાના પેટમાંથી બધી તાકાત ભેગી કરીને મોટી ફૂંક મારી – ‘સૂઉઉઉઉપ!’
ફુગ્ગો તો મોટો… બહુ જ મોટોપ બહુ જ મોટો થઈ ગયો!
અંદરથી હવાબેન બૂમો પાડવા લાગ્યાં, “અરે ઓ ચીકુ, હવે બસ કર! હવે અંદર જરાય જગ્યા નથી. મને બહુ ભીંસ થાય છે!”
પણ ચીકુ તો મસ્તીમાં હતો. એણે સાંભળ્યું જ નહીં. એણે હજુ એક નાની ફૂંક મારી…
અને ત્યાં જ… ‘ધડામ… પટાક…!!’
ફુગ્ગો તો ફૂટી ગયો! ફુગ્ગાના ચીંથરે-ચીંથરાં ઊડી ગયાં અને અંદર કેદ થયેલી હવા એકદમ જોરથી બહાર નીકળી ગઈ. હવા એટલી જોરથી બહાર નીકળી કે ચીકુભાઈ ગોથું ખાઈને પડ્યા – ‘ધબ્બ!’
ચીકુએ આજુબાજુ જોયું. પણ હવાબેન ક્યાંય દેખાયાં નહિ! ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭












































