તો ડાયરેક્ટ ગૂગલ ડાઉનલોડ કરીને આવ્યો છે, આપણું શું થશે?!
આજકાલના જમાનામાં ‘સુપર ટેલેન્ટ’ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે છોકરું પાંચ-છ વર્ષનું થઈને મોબાઈલમાં ગેમ રમતા શીખી ગયું હશે! પણ ના ભાઈ ના, ગોહિલવાડની ધરતી એટલે કે ભાવનગરમાં તો કુદરતે આખી સ્ક્રિપ્ટ જ બદલી નાખી છે. અહીં જાણીતા આયુર્વેદિક ડોક્ટર ચિરાગ વકાણી અને ફાર્માસિસ્ટ મિત્તલબેન વકાણીના ઘરે એક એવો ‘દિવ્ય આત્મા’ પધાર્યો છે, જેને જોઈને સારા-સારા પીએચડી થયેલા લોકો પણ પોતાના ચશ્માના કાચ સાફ કરવા મંડી પડ્યા છે. આ મહાનુભાવનું નામ છે ધ્રિશિવ વકાણી, અને તેમની ઉંમર કેટલી? માત્ર નવ મહિના! હા, બરાબર વાંચ્યું, હજી તો ભાઈના મોઢામાં દૂધના દાંત પણ આખા ફૂટ્યા નથી, ત્યાં એમનું મગજ સુપર કોમ્પ્યુટરની સ્પીડે દોડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ‘બાળ વિઝાર્ડ’ના વીડિયો જોઈને પડોશીઓ તો ઠીક, પણ ગૂગલના એન્જિનિયરો પણ ટેન્શનમાં આવી ગયા છે કે જો નવ મહિનાનો ધ્રિશિવ આ બધું ઓળખી જતો હોય, તો અમારું સર્ચ એન્જિન કોણ વાપરશે?
સામાન્ય રીતે નવ મહિનાનું છોકરું શું કરતું હોય? ક્યાં તો એ પલંગ પરથી નીચે પડવાની ફિરાકમાં હોય, ક્યાં તો પપ્પાનો મોંઘોદાટ આઇફોન મોઢામાં નાખીને ટેસ્ટ કરતું હોય, અથવા ‘બાપ બાપ’ કરીને આખા ઘરના માથા ખાતું હોય. પણ આપણા ધ્રિશિવભાઈની લીલા ન્યારી છે. તેમની સામે શાકભાજીના ફ્લેશ કાડ્ર્સ મૂકો એટલે રીંગણ, ફ્લાવર કે ગાજર પર એવો ચોક્કસ હાથ મૂકે જાણે એપીએમસી માર્કેટના મોટા વેપારી ન હોય! એટલું જ નહીં, મમ્મી પૂછે કે ‘બેટા, ચોખા ક્યાં છે?’ એટલે ભાઈ સેકન્ડના સોમા ભાગમાં ચોખાના ચિત્ર પર આંગળી ચીંધી દે. લો બોલો, જે ઉંમરે આપણને એ ખબર નહોતી કે ચોખા રાંધ્યા પછી જ ખવાય, એ ઉંમરે આ ભાઈ અનાજનું આખું લિસ્ટ મોઢે કરીને બેઠા છે!
વાત અહીં પૂરી નથી થતી. ધ્રિશિવ સામે દેશ-વિદેશના મહાનુભાવો, જાતજાતના વૃક્ષો અને રંગોના કાડ્ર્સ ધરો, એટલે ભાઈ કન્ફ્યુઝ થયા વગર સાચો ઈશારો કરી દે છે. જે દેશમાં મોટા-મોટા નેતાઓ ચૂંટણી વખતે કયો રંગ ક્યાં વાપરવો એમાં ગોથાં ખાઈ જાય છે, ત્યાં નવ મહિનાનો ધ્રિશિવ લીલો, પીળો અને લાલ રંગ જોઈને મનોમન હસતો હોય છે. મમ્મી જ્યારે પૂછે કે ‘બેટા, કાન ક્યાં છે?’ ત્યારે ધ્રિશિવ પોતાના કાન બતાવે છે, જ્યારે આપણને તો છેક બોર્ડની પરીક્ષા સુધી એ ખબર નહોતી પડતી કે આપણું મગજ ક્યાં છે! આ બાળકની વિઝ્યુઅલ મેમરી જોઈને ભાવનગરના વડીલો પણ માથે હાથ દઈને બેઠા છે કે, ‘અલ્યા, આપણે આખી જિંદગી પસ્તી ફાડી, તોય જનરલ નોલેજ ન આવ્યું અને આ નવ મહિનાનો કાનુડો જ્ઞાનનો ભંડાર લઈને બેઠો છે!’
હવે આ ચમત્કાર પાછળનું સાયન્સ સમજો. ધ્રિશિવના પિતા ડો. ચિરાગ આયુર્વેદના એક્સપર્ટ છે, એટલે આ કંઈ એમ ને એમ નથી થયું. વકાણી દંપતીએ ઇન્ટરનેટના વાયરલ વીડિયો જોવાને બદલે ભારતીય આયુર્વેદના ‘પંચકર્મ’ અને ‘ગર્ભધાન સંસ્કાર’ પર ભરોસો મૂક્યો. તેમણે સાબિત કરી દીધું કે ગર્ભસંસ્કાર એ કોઈ સામાન્ય વિધિ નથી, પણ મગજના ન્યુરોન્સ સક્રિય કરવાનું બ્રહ્માસ્ત્ર છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા મિત્તલબેને સીરીયલો અને રીલ્સ જોવાને બદલે સાત્વિક આહાર અને ગર્ભ સંવાદ પર ધ્યાન આપ્યું. પરિણામ એ આવ્યું કે, જે ઉંમરે બાળકો ગળગળા અવાજે રડતા હોય, ત્યાં ધ્રિશિવ આખી દુનિયાને પોતાના ઈશારે નચાવી રહ્યો છે. આ આખી પ્રોસેસ જોઈને આજના મોર્ડન કપલ્સ વિચારી રહ્યા છે કે, ‘સાલ્લું, આપણે પીત્ઝા-બર્ગર ખાઈને નવ મહિના કાઢ્યા, એટલે જ આપણું છોકરું ગણિતના પેપરમાં મીંડું લાવે છે!’
આ લેખ એવા તમામ વાલીઓ માટે મોટો મેસેજ છે, જેઓ છોકરું પાંચ વર્ષનું થાય એટલે પીઠ પર દસ કિલોનું દફતર લાદીને ‘ભણ ભણ’ કરતા હોય છે. વકાણી દંપતીએ બતાવ્યું કે ભાઈ, ખરી મહેનત તો ગર્ભમાં જ કરવાની હોય છે! જો નવ મહિનામાં આટલું જ્ઞાન આવી જતું હોય, તો ધ્રિશિવ જ્યારે વીસ વર્ષનો થશે ત્યારે નાસા (NASA) વાળા પણ એને પૂછીને રોકેટ લોન્ચ કરશે એ નક્કી છે. અત્યારે તો ભાવનગરમાં આ નાનકડો જીનિયસ પોતાના ક્યૂટ સ્મિતથી અને અદભુત આઈક્યુથી વકાણી પરિવારની સાથે આખા ગોહિલવાડનું નામ રોશન કરી રહ્યો છે. બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે આ સુપર ચાઇલ્ડને કોઈની નજર ન લાગે, અને હા, મોટો થઈને એ અમને એ ન પૂછે કે ‘અંકલ, તમારો આઈક્યુ આટલો ઓછો કેમ છે!’ naranbaraiya277@gmail.com











































