ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરાએ વધુ એક સફળ ટ્રેપમાં કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને રૂ.૮૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, આરોપી અમીન હુસેન મંજુર હુસેન શેખ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩), કડી પોલીસ સ્ટેશન, તાલુકો કડી, જિલ્લા મહેસાણા ખાતે ફરજ બજાવે છે. ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદી તથા તેમના ભાઈઓ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના નિકાલ માટે આરોપીએ શરૂઆતમાં રૂ.૨ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક થતાં સોદો રૂ.૮૦ હજારમાં નક્કી થયો હતો.ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ છઝ્રમ્એ તા. ૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન મહેસાણા જિલ્લાના ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર માર્ગ પર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.૮૦ હજારની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે છઝ્રમ્ની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ.૮૦ હજારની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી ડી.એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. કામગીરીનું સુપરવિઝન એ.કે. પરમાર, મદદનીશ નિયામક, એસીબી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ઓપરેશનના ઇન્ચાર્જ હરેશ મેવાડા, નાયબ નિયામક, એસીબી અમદાવાદ રહ્યા હતા.







































