અમદાવાદમાં ૧૪૯મી જગન્નાથ રથયાત્રા પૂર્વે અમદાવાદમાં કોમી એકતા અને સૌહાર્દનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. મુસ્લીમ સમાજ દ્વારા પરંપરા મુજબ વિશેષ એકતા રથ તૈયાર કરીને જગન્નાથ મંદિરના મહંતને વિધિવત અર્પણ કરવામાં આવ્યો.
અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ૧૬ જુલાઈ, ગુરુવારે યોજાનારી ૧૪૯મી રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.પરંપરા મુજબ રથયાત્રાની શરૂઆત પહેલા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું વિશેષ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ સંપન્ન કરવામાં આવશે અને ભગવાનના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ વર્ષની રથયાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. યાત્રામાં શણગારેલા ૧૮ ગજરાજા મુખ્ય આકર્ષણ બનશે. તેમની સાથે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને વિવિધ સામાજિક સંદેશાઓને દર્શાવતા ૧૦૧ થીમ આધારિત ટ્રકો પણ સામેલ થશે.રથયાત્રાના માર્ગ પર વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત કસરત અને શૌર્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. કુલ ૩૦ અખાડાઓના સાધકો પોતાની કળાનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત ભજન મંડળીઓ અને બેન્ડના તાલ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે.ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાની સેવા માટે મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ જોડાશે. અંદાજે ૧૦૦૦થી ૧૨૦૦ ખલાસી ભાઈઓ રથ ખેંચવાની જવાબદારી સંભાળશે.