ગુજરાત રાજ્યને દેશભરમાં વિકાસનું શ્રેષ્ઠ મોડલ ગણાવવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના દામનગર શહેરની વર્તમાન સ્થિતિ કંઈક જુદો જ ચિતાર રજૂ કરે છે. હાલમાં વરસાદી માહોલ વચ્ચે સમગ્ર દામનગર શહેર જાણે ખાડાનગરમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ ડામરના રોડ-રસ્તાઓ ધોવાઈ જતાં ઠેર-ઠેર જોખમી ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું ભારે જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે જો કોઈ મંત્રી, ધારાસભ્ય કે સંસદસભ્ય આદેશ આપે તો જ તંત્ર સફાળું જાગે છે અને કામગીરી શરૂ કરે છે. તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોયા વિના તાકીદે આ માર્ગોનું સમારકામ કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહેશે કે સત્તાધીશો વહેલી તકે આ ખાડાઓ પુરીને પ્રજાને સાચી રાહત આપશે કે પછી માત્ર વિકાસની વાતો જ કાગળ પર ચાલતી રહેશે.