ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાથી જામનગર શહેર પર પાણીની તંગીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરની આશરે સાત લાખથી વધુની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં હવે માત્ર ગણતરીના દિવસો ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જા આગામી સમયમાં સમયસર અને પૂરતો વરસાદ નહીં આવે, તો શહેરને પીવાના પાણી માટે વૈકÂલ્પક વ્યવસ્થાઓ પર નિર્ભર રહેવું પડશે. આ બાબતે મનપા દ્વારા ગાંધીનગર સચિવને પત્ર લખવામાં આવ્યો છે, તો બીજી તરફ વિપક્ષે મનપાની ઢીલી નીતિ ઉપર સવાલો ઉઠાવ્યા છે.
શહેરની પાણીની જરૂરિયાત સંતોષતા મુખ્ય ચાર જળાશયો—રણજીતસાગર, સસોઈ, ઉંડ-૧ અને આજી-૩ ડેમોમાં પાણીની સપાટી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સત્તાવાર માહિતી અનુસાર, રણજીતસાગર ડેમમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે સસોઈ, ઉંડ-૧ અને આજી-૩ ડેમમાં માત્ર જુલાઈ માસના અંત સુધી (આશરે ૨૦ દિવસ) ચાલે તેટલો જ પાણીનો લાઈવ સ્ટોક બચ્યો છે.
જા વરસાદ વધુ ખેંચાશે, તો જામનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા તાકીદનાં પગલાં લેવા માટે એક ‘હાઈ પાવર કમિટી’ની રચના કરવામાં આવી શકે છે. પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના અધિકારી નરેશ પટેલે જણાવ્યું કે, પાણીની અછતને પહોંચી વળવા માટે સરકારના પાણી પુરવઠા વિભાગના સચિવ સમક્ષ આગોતરી માંગણી મૂકી દેવામાં આવી છે.
ડેમોમાં પાણીનું લેવલ જાળવી રાખવા માટે ‘સૌની યોજના’ હેઠળ નર્મદાનાં નીર ડેમોમાં ઠાલવવા માટે સરકાર સમક્ષ પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ડેમોમાં પાણી નાખવાની કામગીરી હાલ પ્રક્રિયા હેઠળ છે. ટૂંક સમયમાં આ સપ્લાય શરૂ થતાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી જશે. જા જળાશયોમાં પાણીની આવક ઓછી રહેશે, તો પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા પાઇપલાઇન મારફતે જામનગર શહેર માટે પાણીનો જથ્થો વધારવામાં આવશે.
બીજી બાજુ, જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા આનંદભાઈ ગોહિલે આક્ષેપ કરતાં જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરવાસીઓ પર પાણી સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યા છે. મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ માત્ર મોટી મોટી વાતો કરે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેતા નથી. જામનગરને એક નવા ડેમની જરૂરિયાત છે જે વરસાદનું પાણી દરિયામાં જતું અટકાવે અને તેનો સંગ્રહ કરે.









































