ખાડી પૂર બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે.પ્રાથમિક અંદાજ મુજબ, પૂર અને વરસાદી પાણીના કારણે ટેક્સટાઇલ વેપારને રૂ.૨૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પૂરના કારણે શહેરની ૨૬થી વધુ કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે હજારો વાહનો તેમજ કરોડો રૂપિયાની સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય ટેક્સટાઇલ માલસામાનને નુકસાન પહોંચ્યું છે.
પૂરની ઘટનાના ચાર દિવસ બાદ પણ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં પાણી યથાવત રહેતાં વેપારીઓની મુશ્કેલીઓ યથાવત છે. બેઝમેન્ટમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને માલ બહાર કાઢવામાં અને વેપાર ફરી શરૂ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે નુકસાન થયું છે અને આર્થિક નુકસાનનો બોજ સહન કરવો પડી રહ્યો છે.ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને સરકાર તરફથી રાહત અને સહાયની માંગ પણ ઉઠાવી છે.








































