ગુજરાત સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને હાઈટેન્શન વીજલાઈન માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિ સામે મોરબી જિલ્લામાં ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ‘આંદોલન પાર્ટ-૩’ના ભાગરૂપે મહેન્દ્રનગર ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ રેલી કાઢી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી.
આંદોલનમાં અંદાજે ૧,૨૦૦થી ૧,૫૦૦ ખેડૂતો અને મહિલાઓ જાડાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના લગભગ ૩૫૦ ગામોના પ્રતિનિધિઓ આ રેલીમાં હાજર રહ્યા હતા. વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી નવી વળતર નીતિમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી.
રેલી દરમિયાન અનેક મહિલાઓએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી. એક મહિલાએ જણાવ્યું કે તેમના ખેતરમાં ખાનગી કંપની દ્વારા વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ ખેતરમાં કામ કરતા પરિવારજનોને અકસ્માત થાય તો તેના માટે કોઈ વીમા સુરક્ષાની જોગવાઈ નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ખેડૂતોના જીવન કરતાં વીજપોલનું મહત્વ વધુ કેમ માનવામાં આવે છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકારે ખેડૂતો સાથે ચર્ચા કર્યા વગર જ નવી વળતર નીતિ જાહેર કરી છે. તેમની માંગ ચાર ગણાં વળતરની હતી, જ્યારે જાહેર કરાયેલા પરિપત્રમાં માત્ર બે ગણાં વળતરનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખેડૂતોને સ્વીકાર્ય નથી અને યોગ્ય સુધારા ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ખેતરની વચ્ચે વીજપોલ ઉભા કરવાથી ખેતી, સિંચાઈ, મશીનરીની અવરજવર અને પાક ઉત્પાદન પર સીધી અસર પડે છે. તેથી જમીનના વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ.
ખેડૂત ચંદુભાઈએ જણાવ્યું કે ખેડૂતપ્રધાન દેશમાં ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા મળવી જોઈએ. સરકાર ખેડૂતોનો પક્ષ લે અને તેમની સાથે ચર્ચા કરીને નવી નીતિમાં જરૂરી ફેરફાર કરે તેવી માંગ તેમણે કરી. જો
જરૂરી બનશે તો ગાંધીનગર સુધી પણ આંદોલન લઈ જવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું.
આ સમગ્ર આંદોલનની શરૂઆત મોરબી જિલ્લાના જેતપર ગામથી થઈ હતી. અહીં ખેડૂતો ખાનગી વીજ કંપની દ્વારા ઉભા કરાયેલા વીજપોલ સામે યોગ્ય અને સમયસર વળતરની માંગ કરી રહ્યા છે. શરૂઆતમાં પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ ૧૯ દિવસ સુધી આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે નવી વળતર નીતિ જાહેર કરી, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમાં તેમની મુખ્ય માંગણીઓનો પૂરતો સમાવેશ થયો નથી.
ખેડૂતોનું કહેવું છે કે ટેલીગ્રાફ એક્ટ, ૧૮૮૫ની કલમ ૧૦મુજબ વીજલાઈન અને વીજપોલ ઉભા કરતી કંપનીએ જમીનને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવું જાઈએ અને થતું સંપૂર્ણ નુકસાન વળતર સ્વરૂપે ચૂકવવું જોઈએ. ખેડૂતો ગુજરાત ઊર્જા વિભાગને ખેડૂત હિતમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ૧૪ જૂન ૨૦૨૪ અને ૨૧ માર્ચ ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં પણ જરૂરી સુધારા કરીને ખેડૂતોને વધુ લાભ મળે તેવી માંગ ઉઠાવી છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ વ્યાપક બનાવવામાં આવશે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે ખેડૂતોની અવગણના ચાલુ રહેશે તો તેનો રાજકીય અસરકારક જવાબ પણ આપવામાં આવશે.








































