અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ રાજ્ય સરકારને પત્ર લખી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડવાની સાથે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદથી નુકસાન થયું હતું અને હવે ફરી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






































