વરસાદના કારણે સુરતના સરથાણા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. અહીં મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાઈ જવાના કારણે એક લગ્નપ્રસંગમાં વરસાદનું મોટું વિઘ્ન આવ્યું હતું. લગ્ન વિધિ શરૂ થતાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી, જેના લીધે લગ્ન કરવા આવેલા વર-વધુ અને જાનૈયાઓ સહિત અનેક પરિવારો ત્યાં ફસાઈ ગયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ પણ તેમણે ત્રણથી ચાર કલાક સુધી રાહ જાવી પડી હતી. આખરે સ્થાનિક લોકો અને પોલીસની મદદથી વર-વધુ, જાનૈયાઓ તેમજ સિનિયર સિટીઝનોનું સુરક્ષિત રેસ્ક્્યૂ કરવામાં આવ્યું હતું.
સરથાણા વિસ્તારમાં ૭થી ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે લોકોનું રેસ્ક્યુ કરનાર પોલીસ પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડ દ્વારા પોલીસનું રેસ્ક્્યૂ કરવું પડ્યું હતું. ખુદ સરથાણા પોલીસ સ્ટેશનમાં જ ૧૦થી ૧૨ ફૂટ પાણી ભરાઈ જતાં આખું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
સુરત શહેરમાં ચોમાસાની પહેલી જ ઇનિંગમાં ધોધમાર ૧૮ ઇંચ વરસાદ ખાબકતા હીરાનગરીની સૂરત સંપૂર્ણપણે બગડી ગઈ છે. વરાછાથી લઈને વેસુ સુધીના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને સ્માર્ટ સિટીના વિકાસના તમામ દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે.
સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતાના કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેનાથી સુરતીઓને વર્ષ ૨૦૦૬ના વિનાશક પૂરની યાદ તાજી થઈ ગઈ છે. પાણી ભરાઈ જતાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેને પગલે લાખો રૂપિયાના માલસામાનનું ભારે નુકસાન થયું છે.
શહેરની અનેક સોસાયટીઓ હાલ પાણીમાં ગરકાવ છે, જેમાં લાલીમા સોસાયટી વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયો છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો હજુ પણ પોતાના ઘરોમાં કેદ છે.