જૂનાગઢ જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી અટવાયેલી વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી આખરે પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચર્ચા અને આંતરિક મંથન બાદ કુલ નવ મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવી નિમણૂકો સાથે જિલ્લા પંચાયતના વહીવટી કામકાજને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે, પરંતુ આ વરણી સાથે રાજકીય સમીકરણો અને આંતરિક જૂથબંધીને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ વખતે માણાવદર, વંથલી અને મેંદરડા વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રભાવ હેઠળના જિલ્લા પંચાયત સભ્યોને મહત્વની સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના મતવિસ્તારમાંથી ચૂંટાયેલા અનેક સભ્યોને પ્રભાવશાળી સમિતિઓના ચેરમેન બનાવવામાં આવતા અન્ય વિસ્તારોના આગેવાનોમાં અસંતોષ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
સાસણ બેઠક પરથી ચૂંટાયેલા ચિરાગ જમનાદાસ રાજાણીને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે, જ્યારે કોયલાણા બેઠકના જીગ્નેશ દિલિપ છૈયાને સિંચાઈ, સહકાર, ખેતી અને પશુપાલન સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. શાપુર બેઠકના ઇન્દુ ભરત ચાવડાને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ નામો અરવિંદ લાડાણીના પ્રભાવ વિસ્તાર સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.
નવનિયુક્ત સમિતિઓમાં સૌથી વધુ ચર્ચા શિક્ષણ સમિતિના ચેરમેનની નિમણૂકને લઈને થઈ રહી છે. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હર્ષા વિનોદ સવસાણીની પસંદગી કરવામાં આવી છે, જેમની શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ સુધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ ખીમજી લાડાણી, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીતુ બચુ સીસોદિયા , મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે વનીતા સોમાત વાસણ , બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન તરીકે ચંપા કિશોર ઠુંમર અને અપીલ સમિતિના ચેરમેન તરીકે લીના વિપુલ કાવાણની પસંદગી કરવામાં આવી છે.
આ વરણી બાદ જિલ્લા પંચાયતના રાજકીય ઇતિહાસમાં એક નવું સમીકરણ પણ સામે આવ્યું છે. પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય જયસુખ પાઘડાર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળશે. આગામી સમયમાં તેઓ સદનમાં શાસક પક્ષ સામે કેવું વલણ અપનાવે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.
સમિતિઓની આ નવી રચના બાદ જિલ્લા પંચાયતમાં સત્તાની વહેંચણી, જૂથવાદ અને આગામી સ્થાનિક રાજકીય વ્યૂહરચનાને લઈને ચર્ચાઓ તેજ બની છે. હવે આ નવી ટીમ વિકાસના કાર્યોમાં કેટલો ઝડપથી પરિણામ આપી શકે છે અને આંતરિક અસંતોષને કેવી રીતે સંભાળે છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.