છૂટાછેડા.. છૂટાછેડા.. છૂટાછેડા..!! આ શું છૂટાછેડાની પારાયણ માંડી છે? છૂટાછેડા કરવાં માટે પહેલાં લગન તો કરવાં દો. લગન વગર કોની હારે અને કેવાં છૂટાછેડા કરવાં? કોઈનાં ઘરમાં વાસણ ખખડતા હોય તો એનાં સંભવિત છૂટાછેડા આપણે આપણાં નામે થોડાં ચડાવી દેવાય છે? ‘
‘તમારે તો પેન હાંકતા ક્યાં વાર જ લાગે છે. લગનની લાઈનમાં આવો તો ખબર પડે. અમારી હાચી ખોટી વાત તો ક્યાંય હકાવતા નથી. અને ઘા ઉપર મીઠું જ ભભરાવો છો?’
તો કોઈકે કહ્યું ‘પહેલાં લગન તો થાવા દ્યો. પછી ડબલ તો શું ત્રણ ગણો છૂટાછેડામાં ખરસો કરવો પડશે ને તો’ય કરીશું. પણ એ પછીની વાત છે. પહેલાં લગન.’
તો કોઈકે રોષ ઠાલવ્યો કે, ‘લગનના લાડુ ભલે લાકડાનાં હોય! પણ અમારે એક વખત એ લાડુ ચાખવા છે. પછી ભલે એ હળી ગયેલાં લાકડાનાં લાડુ કેમ નો હોય!!’
(હવે એને કોણ સમજાવે કે, પેન હાંકયા પછીય એ લખેલાં થોથાને છપાવવા અમારે’ય મો..ટી લાઈન લાગે છે.અને તંત્રીઓ કન્યાનાં બાપ કરતાં’ય કડક હોય છે.)
આવાં છૂટાછેડાના થોકબંધ ફોન કોલ આવી રહ્યા હતાં. બનેવીલાલ એટલે જ નિરાશા ઓઢીને બેઠાં હતાં. ‘મેં આવો છૂટાછેડાનો ગંભીર વિષય ક્યાં છેડ્યો. નાહકનો સાપની પૂંછડી ઉપર પગ મૂકી દીધો.
પરંતુ અમથાલાલ ભારે ખેપાની.’
‘બનેવીલાલ! એમાં મૂંઝવણમાં મુકાવાનું નો હોય. આવું વાંચીને ઘણાંને મરચાં લાગ્યાં હશે. એમ ઘણાંય સેન્ડવીચ બનીને જીવતાં પતિ ગયેલાં પતિ દેવોને છૂટાછેડા હાંભળીને હરખેય થયો હશે. પણ બિચ્ચારો ગભરુ જીવ બોલી હકતો નહીં હોય.
અને બચાડા રહી ગયેલાં હંધાય હાઢુભાઈ પ્રત્યે આપણને હમદર્દી છે. એ આપણી જ ન્યાતના છે. મતલબ આપણાં કરતાં’ય હારુ જીવન જીવે છે.
છતાંય જો એને આપણી અદેખાઈ હોય. આપણી પ્રત્યે ફરિયાદ હોય તો..એને કહી દો..!’
‘શું કહી દઉં? તમારે થાય એ કરી લો. એમ??’
‘ના..આ..આ..! આપણે થોડું પીળું પત્રકારત્વ લયને બેઠાં છીએ. કે આપણી પાસે થોડો વાયુ વાતુ લઈ આવે છે. આપણી પાસે તો નક્કર પુરાવાઓ હોય છે.સાબિતીઓના ઢગલાંઓ હોય છે.’
‘તો પછી શું કહી દેવાનું છે?’
‘હમણાં જ સ્પેનમાં ‘ઈબિઝાની’ એક ૩૮ વર્ષની છોકરી/ એક મોડેલ (ફોટો જૂઓ)‘બોની લોકેડ’ એક વરરાજા વગર. મતલબ પુરુષ વગર લગન કરી રહી હતી ત્યારે તમે હંધાય ક્યાં હતાં?’
બનેવીલાલને થયું, ‘અભણ અમથાલાલનો’દિ આજે કંઈ બાજું ઊગ્યો છે? વરરાજા વગરની જાન હોય? અને માની પણ લઈએ કે વરરાજા વગરની જાન જોડી. પણ!? વરરાજા વગરનાં લગન હોય? અને હોય તો કોની હારે હોય??’
‘અમથાલાલ! તમે કદાચ હાચા હશો. પણ લોકો માનશે? ૩૮ વર્ષની બોની લોકેડ પરણી કોની હારે?’
‘બનેવીલાલ! અહીં લગનમાં હોય એવું હંધૂય હતું. એક સરસ મજાનો બીચ હતો. ગણ્યા ગાંઠ્યાં લોકોનો આ સમારોહ હતો. કન્યાનો વેડિંગ ડ્રેસ જ ૪૮ લાખનો હતો. હીરા ઝડીત ઘરેણાઓ હતાં.’
બનેવીલાલે વચ્ચે જ પૂછી લીધું.
‘આટલો જાજરમાન સમારોહ હોય પછી જમણવારની ડીસમા શું કાંઈ ઘટે? શું.. શું.. જમવાનું હતું?’
‘બનેવીલાલ! ગુજરાતી હોય એટલે જમવાનું પહેલાં પુછે.’
‘તે..એ..એ..! જમવાનું જ પુછે ને. વરરાજાને પરણવામા રસ હોય. બન્નેનાં મા બાપને પરણાવવામાં. જાનૈયાને તો ખાવામાં જ રસ હોય ને!! પણ અહીં તો વરરાજો જ નહોંતો. પછી શું થયું હશે?’
‘હું એટલે જ કહું છું કે, આપણાં હંધાય વાંઢાભાઈઓ ક્યાં ગયાં હતાં? જ્યારે બોની લોકેડ એકલી એકલી પરણી રહી હતી. જયારે લખમી/ લોકેડ ચાંદલો કરવા આવી ત્યારે જ હંધાયને મોઢું ધોવાનું હાંભર્યું?’
‘હવે ઈ તો દલાલ ભાઈઓને જ પુછવું પડે કે , આ હંધાયને તમે ક્યાં લઈ ગયાં હતાં? દાહોદ/ ગોધરા કે પછી એમ. પી. ની ખેપ મારી!??
પણ આ સ્પેનની છોકરી બોની લોકેડ એકલી એકલી કેમ પરણી? એને શા માટે આવું પગલું ભરવું પડ્યું?’
‘બોની લોકેડ એક પ્રખ્યાત કમાતી ધમાતી મોડેલ હતી. એ એમનાં પ્રેમી સાથે જ પરણવાની હતી. એટલે જ તો બીચ બુકિંગ કરાવ્યો. ૪૮ લાખનો વેડિંગ ડ્રેસ પહેર્યો. પણ..! ખરાં ટાઈમે જ ’ભગરી ભેંહે પાડો જણ્યો ‘માફક એનો પ્રેમી પરણવા નો આવ્યો. એણે ખૂબ કોશિશ કરી પણ કોઈ તૈયાર નો થયું. છેવટે એમણે વિચારી નો શકાય એવો નિર્ણય લીધો. એક મોટો અરીસો મંગાવીને ખુદની હારે જ લગન કર્યા.’
તોં..ઓ.. હેં.. અમથાલાલ! આ નવાં લગન કહેવાય. આવાં લગનને શું કહેવાય?
‘હાલ તો ’સોલોગેમી ‘તરીકે આખાં વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.’
kalubhaibhad123@gmail.com








































