અને મારા મગજમાં થયેલો ‘બિગ બેંગ’ ધડાકો
વિશ્વમાં જ્યારે જ્યારે મહાન શોધો થઈ છે, ત્યારે કોઈક અજીબોગરીબ ઘટના જ જવાબદાર રહી છે. આર્કિમિડીઝ બાથટબમાં નાહતા હતા ત્યારે તેમને ‘યુરેકા’ સૂઝ્યું, ન્યુટનભાઈ સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને એક સફરજન તેમના માથા પર પડ્‌યું અને આખી દુનિયા બદલાઈ ગઈ. મને તો એમ લાગે છે કે ન્યુટનભાઈએ તો ખોટા નાટક કર્યા હતા, કારણ કે જો ખરેખર સફરજન પડ્‌યું હોત તો તેઓ ગુરુત્વાકર્ષણ શોધવાને બદલે દુખાવો ઓછો કરવા માટે આઈસપેક શોધતા હોત! પણ મારી વાત સાવ અલગ છે. મારી આ શોધ કોઈ સફરજન કે નાહવાના ટબમાં નથી થઈ, પણ મારા પોતાના બગીચામાં કેળના ઝાડ સાથે થયેલા એક ભીષણ મુકાબલા દરમિયાન થઈ છે. બગીચામાં કેળના ઝાડ કાઢવાની મારી પવિત્ર કામગીરી ચાલુ હતી. એક હાથમાં કોશ અને બીજા હાથમાં દુનિયાભરનો કંટાળો લઈને હું કેળના થડ પર પ્રહાર કરી રહ્યો હતો. અચાનક, મારી કોશનો એક જોરદાર ઘા યોગ્ય નિશાને વાગવાને બદલે જરાક વિચલિત થયો અને કેળના થડનું એક મોટું ચોસલું એવું તો સફાઈબંધ અલગ થયું કે જાણે કુદરતે મને કોઈ મહાન રહસ્ય આપવા માટે ખાસ અલગ કાઢીને રાખ્યું હોય!
મેં તે સફેદ, કુંવરપાઠા જેવું ચમકતું ચોસલું હાથમાં લીધું. કોઈ સામાન્ય માણસ હોત તો તેને કચરો સમજીને ગટરમાં નાખી દેત, પણ મારે તો ન્યુટનના લોહીના સંબંધી જેવી જિજ્ઞાસા હતી. મેં તે ટુકડાને આમ જોયો, તેમ જોયો, સુંઘ્‌યો અને જેવો મેં તેનો એક ટુકડો દાંત નીચે દબાવ્યો, એટલે મારા મગજમાં ઝબકારો થયો બરાબર એવો જ ઝબકારો જે ન્યુટનભાઈને સફરજન પડ્‌યા પછી થયો હતો! મેં મનમાં જ ઘોષણા કરી દીધી કે આજે દુનિયાને એક નવી ભેટ મળવા જઈ રહી છે. આ ચોસલું મને સુરણ જેવું લાગ્યું. હવે સુરણનું શાક એટલે તો રજવાડાનું ભોજન, અને મારા હાથમાં હતું કેળનું થડ! મેં તરત જ રસોડા તરફ પ્રયાણ કર્યું, જાણે કોઈ યુધ્ધ જીતીને ઘરે પાછા ફરતો હોય. રસોડામાં પહોંચીને મેં તેલમાં રાઈ-જીરુંનો એવો વઘાર કર્યો કે આખા પડોશમાં સુગંધ ફરી વળી. (જોકે અમારા પડોશી તરીકે આસપાસના એક કિલોમીટર સુધી રહેવા માટે કોઈ રાજી નથી કારણ કે અમે આવીને આવી ખતરનાક શોધો કરતા રહીએ છીએ.) મારા આત્મવિશ્વાસનું સ્તર તો એવું હતું કે જાણે હું કોઈ નોબેલ પ્રાઈઝ લેવા જઈ રહ્યો હોઉં!
શાક તૈયાર થયું ત્યારે તેનો રંગ, તેની સુગંધ અને તેમાંથી આવતી વરાળ બધું જ કોઈ ફાઈવ સ્ટાર હોટલની વાનગીને શરમાવે તેવું હતું. મેં જેવું પહેલું બટકું ભર્યું, કેળના થડમાં રહેલા તે કડક-કડક રેસાઓ મારા દાંત સાથે જે રીતે ટકરાયા, તે અહેસાસ જ અદભૂત હતો! એ કડકડાટ મારા કાને નહીં, પણ સીધો મારા આત્માને સ્પર્શી ગયો. મને સમજાયું કે ન્યુટનભાઈ તો ખાલી એક સફરજનના લીધે પ્રખ્યાત થઈ ગયા, પણ મારી આ શોધમાં તો પરસેવો, મહેનત અને બગીચાની માટીની મહેક ભળેલી છે. મેં વિચાર્યું કે દુનિયા તો મને પાગલ કહેશે, પણ જગતના મહાન સંશોધકોને પણ શરૂઆતમાં લોકો પાગલ જ કહેતા હતા. વુડહાઉસના તે જિગીશુ પાત્રોની જેમ મેં પણ મારી આ શોધને એક નવી ઊંચાઈ પર મૂકી દીધી હતી. મેં તો એવો દાવો પણ કરી દીધો કે હું જ વિશ્વનો પ્રથમ શોધક છું, પણ પછી મને ખબર પડી કે દક્ષિણ ભારતમાં તો લોકો આને રોજનું શાક માનીને ખાય છે. અરે રે, મારા અરમાનો પર દક્ષિણ ભારતીય લોકોએ પાણી ફેરવી દીધું!
પરંતુ શું ફરક પડે છે? ભલે વિશ્વમાં કોઈ ખાતું હોય, પણ મારા માટે તો આ શોધ આજે જ થઈ હતી. કેળના થડમાં પોટેશિયમ, વિટામિન, ફાઈબર આટલું બધું પૌષ્ટિક તત્વ હોવાની મને ક્યાં ખબર હતી? મેં તો વિચાર્યું હતું કે આ ફક્ત એક લાકડું છે, પણ તે તો ખરેખર કુદરતનું બનાવેલું એક ‘સુપર ફૂડ’ નીકળ્યું. આયુર્વેદ અને વિજ્ઞાન બંને તેની પાછળ પાગલ છે, એ જાણીને તો મારો વટ વધી ગયો. હવે હું જ્યાં પણ જઈશ ત્યાં એક ‘શાક શોધક’ તરીકે જ ઓળખાઈશ. કોઈ પૂછશે કે શું કર્યું છે જિંદગીમાં? તો હું ઠાઠથી કહીશ કે ન્યુટને તો બસ ગુરુત્વાકર્ષણ શોધ્યું હતું, મેં તો કેળના થડમાંથી સ્વાદિષ્ટ શાક શોધ્યું છે! મારો આ પ્રયોગ હવે મારા ઘરનું કાયમી મેન્યુ બની ગયું છે. કેળનું ઝાડ ફળ આપી દે અને સુકાઈ જાય, ત્યારે લોકો તેને કાપીને ફેંકી દે છે, પણ હવે મારા ઘરમાં તો તે ફેંકાશે નહીં, સીધું રસોડામાં આવશે!
સાચું કહું તો, આ શોધે મને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. જિંદગીમાં ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ જ હોય છે, આપણે બસ તેને જોવાની દ્રષ્ટિ કેળવવાની હોય છે. કેળના થડને કચરો માનનારા લોકો અને તેને શાક તરીકે જોનારા મારી જેવા શોધક વચ્ચેનો આ જ તો તફાવત છે. હું તો હવે મારા મિત્રોને પણ કહીશ કે ભાઈઓ, કેળના થડ ફેંકતા નહીં, શાક બનાવજો! ન્યુટનભાઈએ સફરજનથી ગણિત શીખવ્યું, અને મેં કેળના થડથી જીવનનો સ્વાદ શીખવ્યો. હવે
આભાર – નિહારીકા રવિયા જ્યારે પણ હું બગીચામાં જઈશ અને કેળના ઝાડને જોઈશ, ત્યારે મને તેમાં ફળ કરતાં શાક વધારે દેખાશે. આ છે મારી શોધનો જાદુ! છેલ્લે તો એટલું જ કહીશ કે જો કોઈ માણસને ખરેખર જીવતા શીખવું હોય, તો તેણે ક્યારેક ક્યારેક આવી અજીબ શોધો કરવી જોઈએ. આ કેળના થડનું શાક ખાતી વખતે જે આનંદ આવ્યો છે, તે તો શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. જે લોકોએ આ હજુ સુધી નથી ચાખ્યું, તેઓ ખરેખર દુનિયાની એક અદ્‌ભુત વસ્તુથી વંચિત છે. હવે તમે જ કહો, શું મારી આ શોધ ન્યુટનની શોધથી કોઈ રીતે ઉતરતી છે? મારા મતે તો નહીં જ! આ શાક એટલે કેળના થડનો વિજય અને મારી રસોઈની એક નવી સિધ્ધિ છે.
naranbaraiya277@gmail.com