સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ દીધી છે. મેઘમહેર બાદ પ્રખ્યાત દેવઘાટ ધોધ ફરી એકવાર પાણીથી છલકાઈ ઉઠ્યો છે, જેના કારણે અહીં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓની અવરજવર વધી છે.
ઉમરપાડા તાલુકો તેના ગાઢ જંગલો, પહાડી વિસ્તારો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. ‘સુરતનું મિની ચેરાપુંજી’ તરીકે ઓળખાતો આ વિસ્તાર ચોમાસામાં વધુ રમણીય બની જાય છે. ગીચ જંગલોમાંથી વહેતું વરસાદી પાણી દેવઘાટ ધોધ સુધી પહોંચતા મનમોહક દૃશ્યો સર્જાય છે, જે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.
ધોધમાં પાણીની સતત આવકને કારણે અહીંનું સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું છે. રજાના દિવસોમાં સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દેવઘાટ ધોધની મુલાકાતે પહોંચી રહ્યા છે અને કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા પણ દેવઘાટ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. વરસાદી માહોલ વચ્ચે હરિયાળીથી છવાયેલો દેવઘાટ ધોધ હાલ સુરત જિલ્લાના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયો છે.
બીજી બાજુ ડાંગ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પ્રખ્યાત ગીરાધોધમાં પાણીની જારદાર આવક થઈ છે. વરસાદ બાદ ધોધ તેના પૂર્ણ સૌંદર્ય સાથે વહેતો થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી નજારો માણવા પહોંચી રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં હરિયાળીથી છવાયેલા ડાંગના જંગલો અને ગીરાધોધનું મનમોહક દૃશ્ય પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યું છે. રજાના દિવસોમાં પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં સહેલાણીઓ ગીરાધોધની મુલાકાત લઈને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.
પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સલામતી માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ધોધ નજીક સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ખુશીની વાત એ છે કે મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ જવાબદારી દાખવી તંત્રની સૂચનાઓનું પાલન કર્યું હતું. હાલ ગીરાધોધ ચોમાસામાં ડાંગ જિલ્લાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયું છે.