રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત અને સઘન બનાવવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રથયાત્રામાં સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસાર, આગામી ૧૦ જુલાઈથી ૧૭ જુલાઈ સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રથયાત્રાના આયોજન દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શહેર તેમજ રાજ્યમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન રજાઓ રદ રહેશે. જા કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીને અતિ મહત્વના અથવા ખાસ અનિવાર્ય સંજાગો હોય, તો જ તેમને રજા મળવાપાત્ર રહેશે. અન્યથા, બાકીના તમામ પોલીસ કર્મીઓએ ફરજ પર હાજર રહેવું ફરજિયાત રહેશે.
રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ એક વિશાળ લોકસમુદાયનો કાર્યક્રમ છે. લાખોની સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા આ આયોજન હેઠળ શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે. સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
આમ, રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ન રહી જાય તે માટે પોલીસ તંત્ર અત્યારથી જ ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે તૈયારીમાં લાગી ગયું છે.