અમરેલી શહેરમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ ઉભી કરવા તેમજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી ચંદુભાઈ ગાગડિયા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ ચંદુભાઈ ગાગડિયાએ નગરપાલિકાના કચરા કલેક્શન વાહનો નંબર GJ-૧૪-GA-૧૩૮૫ અને GJ-૧૪-GA-૧૨૬૯ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે બંને વાહનોના આગળના કાચ તૂટી ગયા હતા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં આરોપીએ છરી સાથે વાહનના ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓનો પીછો કર્યો હતો તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે પોલીસને જણાવ્યું કે આ ઘટના અગાઉ પણ આરોપી દ્વારા ખોટી છેડતીનો કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર બનાવ શહેરના ડમ્પ સાઇટ વિસ્તારમાં બન્યો હતો જ્યાં રોજ શહેરભરનો કચરો ઠાલવવામાં આવે છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.









































