શ્રી ચલાલા નાગરિક સહકારી મંડળી લિમિટેડની ૬૮મી વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ શ્રી મનસુખભાઈ સાપરીયાના અધ્યક્ષસ્થાને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ ભગત, સહકારી આગેવાન જયંતીભાઈ પાનસુરીયા અને નગરપાલિકાના પ્રમુખપતિ જયરાજભાઈ વાળા સહિતના મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.મંડળીના મંત્રી શ્રી દિનેશભાઈ કાબરીયાએ વર્ષ ૨૦૨૫-૨૬નો વાર્ષિક હિસાબ રજૂ કરતા જણાવ્યું કે, કરકસરયુક્ત અને પારદર્શક વહીવટના કારણે મંડળીએ રૂ. ૨,૧૯,૮૭૧નો ચોખ્ખો નફો મેળવ્યો છે.મંડળીની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તે કોઈ બાહ્ય કરજ લેતી નથી અને સભાસદોને માત્ર ૧૨ ટકા વ્યાજે ધિરાણ આપે છે. આજ દિન સુધી મંડળીનો એક પણ સભાસદ ડિફોલ્ટર થયો નથી કે કોઈની સામે કોર્ટ કેસ કરવો પડ્‌યો નથી. સભાના અંતે પ્રમુખે આભાર વિધિ કરી હતી.