અમદાવાદમાં વ્યાજખોરી અને બળજબરીથી વસૂલાતનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક યુવકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેને રૂ. ૮ લાખ ધીર્યા બાદ રૂ. ૨૦ લાખની માંગણી શરૂ કરી હતી. ફરિયાદીનો દાવો છે કે તે પહેલેથી જ રૂ. ૧૧.૬૩ લાખથી વધુ રકમ ચૂકવી ચૂક્યો હોવા છતાં વધુ નાણાં માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
ફરિયાદ મુજબ, આરોપી દ્વારા ઊંચા વ્યાજની માંગણી સાથે વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેની માલિકીના હ્યુન્ડાઈ આઇ૧૦, મારુતિ અર્ટિગા અને યામાહા એફઝેડ સહિત ત્રણ વાહનો બળજબરીથી કબજે કરી લેવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી વારંવાર ફરિયાદીના ઘરે આવી ગાળો બોલતો અને ધમકીઓ આપતો હતો. આ સતત ત્રાસથી કંટાળીને ફરિયાદીએ અગાઉ પોલીસ કમિશનરને લેખિત અરજી પણ કરી હતી. જાકે, અરજી બાદ પણ ધમકીઓ ચાલુ રહેતાં તે ગંભીર માનસિક તણાવમાં આવી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માનસિક તણાવ દરમિયાન ફરિયાદીએ રિવરફ્રન્ટ વિસ્તારમાં ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મિત્રની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ ફરિયાદીએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાનું વિગતવાર નિવેદન નોંધાવ્યું હતું.
ફરિયાદમાં અન્ય એક વ્યક્તિએ પણ વ્યાજની રકમની વસૂલાતમાં આરોપીને મદદ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને બંને પક્ષોના નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે હાલ આ તમામ વિગતો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો પર આધારિત છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.










































