અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સપ્ટેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડિયા તથા લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી, અગાઉ રજૂ થયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી. જે.વી. કાકડિયાએ ધારી શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પરના ટ્રાફિકના પ્રશ્ન, નિર્માણાધીન માર્ગોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા, સ્પોટ્‌ર્સ સંકુલની કામગીરીની પ્રગતિ તથા ચોમાસાને ધ્યાનમાં રાખી ખેડૂતોને વાયર ફેન્સિંગ માટે મુદત વધારવા અંગે રજૂઆત કરી હતી. જનકભાઈ તળાવિયાએ જમીન માપણી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે ખેડૂતોને રાસાયણિક ખાતર અને જરૂરી પુરવઠો નિયમિત મળે તે માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી.