સરકારી આયુર્વેદ હોસ્પિટલ અમરેલી તથા ગોરસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે તા.૨૦ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા આયુષ નિયામકની કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ સપ્તાહમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ધન્વંતરી પૂજન, શાળા આરોગ્ય કેમ્પ, સાંધાના દુખાવા માટે અગ્નિકર્મ કેમ્પ, સગર્ભા માતા અને ધાત્રી માતા માટે કીટ વિતરણ, બાળકોમાં સુવર્ણપ્રાશન, ઔષધીય રોપા વિતરણ સહિત યોગ-પ્રાણાયામ અને પ્રાકૃતિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પમાં નિદાન સાથે સારવાર અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. તા.૨૦ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે કૌશિક વેકરીયાના હસ્તે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ધન્વંતરી પૂજનથી કાર્યક્રમનો પ્રારંભ થશે.આ માટે ડો. બી.એન.જાદવ તથા ડો. ભાવેશ મહેતા તથા ટીમ સેવામાં રહેશે.