અમદાવાદમાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું.શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડ્યો છે, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો છે.
અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારે સાતથી નવ વાગ્યા સુધીમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સરખેજ અને નવરંગપુરામાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે વરસાદને કારણે અખબારનગર, પરિમલ ગાર્ડન, શાહીબાગ, મકરબા અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.આ સિવાય કેટલાક બીઆરટીએસ રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. જેમાં આરટીઓ મણિનગર, એસપી રિંગ રોડથી એલડી કોલેજ, રબારી કોલોનીથી આરટીઓ, સાણંદ સર્કલથી સારંગપુર અને આરટીઓ સર્ક્યુલર રૂટ પર બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે. તો કેટલીક એએમટીએસ બસ સેવાને ડાયવર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે ડીઇઓ દ્વારા શાળાઓમાં જરૂર પડે તો બાળકોને રજા આપી દેવાની સૂચના આપવામાં આવી છે. સીટીએમ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના ૧૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી ૧૭૦૦૦ ક્્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજીતરફ એકાએક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારે ૭થી ૯ વાગ્યા દરમિયાન અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને કેટલાક અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર થઈ છે.સવારે પડેલા વરસાદમાં સરખેજ અને નવરંગપુરા વિસ્તારમાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર અને પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચની આસપાસ વરસાદ પડ્યો છે.ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ અને અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આશરે બે ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદની સીધી અસર શહેરના વેજલપુર વિસ્તારમાં જાવા મળી છે. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. સામાન્ય ગણાતા વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે.પેલેડિયમ મોલથી થલતેજ મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અહીં અનેક બાઈક અને રિક્ષા પાણીમાં ફસાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે.








































