શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા અથવા અતિશય વિશ્વાસમાં બદલાઈ જાય છે, ત્યારે ગુનેગારો તેનો ફાયદો ઉઠાવવા તૈયાર બેઠા હોય છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં એક વેપારી સાથે દાનના નામે, જૈન ગુરુ મહારાજના નામે લાખો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જાકે પોલીસે ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીને દબોચી લીધો છે. કોણ છે આ ઠગ અને કઈ રીતે ધર્મના નામે કરી છેતરપિંડી જાઈએ આ અહેવાલમાં..
આનંદ નગર પોલીસ ઠગાઈનું મોટું કારસ્તાન કરનાર આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદી મયુર શાહ નામના વેપારીને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ‘નર રત્ન મહારાજ જૈન ઉપાશ્રય પાલડી’ સાથે જાડાયેલા વ્યક્તિ તરીકે આપી હતી.આ ઠગની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય માણસ છેતરાઈ જાય.
ફોન કરનાર તેજસ શાહ, વેપારી સાથે વાત કરતી વખતે બેકગ્રાઉન્ડમાં એવો ઓડિયો પ્લે કરતો હતો, જાણે પાછળથી સાચે જ કોઈ જૈન ગુરુ મહારાજ બોલી રહ્યા હોય! ધાર્મિક કાર્યો અને દાન કરવાના નામે વેપારી મયુર શાહ પાસેથી ટુકડે-ટુકડે કરીને અધધધ ૨૧ લાખ ૭૯ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા.
જ્યારે વેપારીને અહેસાસ થયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી અને આરોપી તેજસ શાહને ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટર ખાતેથી ઝડપી પાડ્યો. પોલીસ પૂછપરછમાં જે ખુલાસા થયા તે ચોંકાવનારા હતા. આરોપી તેજસ શાહ માત્ર ધોરણ ૮ સુધી ભણ્યો છે અને હાલ બેકાર છે. તેના પિતા સુભાષ શાહ પવિત્ર યાત્રાધામ મહુડી મંદિરમાં પાણીની પરબમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે.
પિતા જ્યાં ધર્મનું કામ કરી રહ્યા છે, ત્યાં પુત્રએ ધર્મના નામે જ લોકોને લૂંટવાનું શરૂ કર્યું. ચોંકાવનારી વાત એ છે કે, વેપારી પાસેથી પડાવેલા આશરે ૨૨ લાખ રૂપિયા આરોપીએ ઓનલાઈન સટ્ટામાં ગુમાવી દીધા છે, હાલ તો આનંદનગર પોલીસે તેજસ શાહની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ પોલીસને આશંકા છે કે આ હાઈટેક ઠગે જૈન ગુરુના નામે અન્ય કેટલાય લોકોને પણ શિકાર બનાવ્યા હોઈ શકે છે. જેને લઈને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








































