વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણને બિરદાવવા સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે દુધાળા હેતની હવેલી નજીક આવેલા ભારત માતા સરોવર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. હરિકૃષ્ણ ગ્રુપ સુરત અને ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.ગાગડિયો નદી પર હરિકૃષ્ણ સરોવરનું ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ લોકાર્પણ કરી જળસમૃદ્ધિની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ભારત માતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. વડાપ્રધાનના જન્મદિને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી નવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.









































