ધોરાજીમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસ નિમિત્તે પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયો ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્‌યા હતા. પંચનાથ મહાદેવ ખાતે મહંત શ્રી શ્રધ્ધાનંદગિરીજી મહારાજના સાનિધ્યમાં લઘુરુદ્રી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. શાસ્ત્રી બીપીનભાઈ દવેના જણાવ્યા અનુસાર, પાંડવોએ આ પવિત્ર સ્થળે પૂજા-અર્ચના કરી સ્વયંભૂ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. સફુરા નદી કિનારે આવેલા આ મંદિરમાં ચોમાસામાં નદીમાં પૂર આવતા કુદરતી રીતે જ જલાભિષેક થાય છે. અમાસના પાવન પ્રસંગે મહાકાલેશ્વર, નાગનાથ, કોટેશ્વર સહિત ધોરાજીના વિવિધ શિવાલયોમાં પણ ભક્તોનું વિશાળ મેદની ઉમટી પડી હતી.