ઉત્તર ભારતમાં હવે ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વધુમાં, ભારત-ચીન સરહદ પર હિમવર્ષાને કારણે તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગે સિક્કિમ માટે પણ રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન, દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચક્રવાત મોન્થાને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વાવાઝોડાને કારણે અનેક લોકોના મોત થયા છે. હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ઠંડી વધવાની ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા, ભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાની આગાહી છે. ઉત્તર ભારતમાં, આગામી થોડા દિવસો સુધી ફક્ત દિલ્હી-એનસીઆરમાં જ વાદળછાયું રહેવાની ધારણા છે. દિલ્હી ઉપરાંત, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં, નવેમ્બરની ગુલાબી ઠંડી દિલ્હીમાં આવી ગઈ છે, જેની અસરો મોડી રાત્રે અને વહેલી સવારે અનુભવાઈ રહી છે.પૂર્વીય ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદથી ઠંડીમાં અચાનક વધારો થયો છે, જ્યારે પશ્ચિમ ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં વાદળો ફરી રહ્યા છે. હવામાનને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશના વારાણસી, પ્રયાગરાજ અને માઉ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.આ દરમિયાન, શુક્રવારે ભારત-ચીન સરહદ નજીક ભારે હિમવર્ષા જાવા મળી હતી. હિમવર્ષાને કારણે સિક્કિમમાં તાપમાનમાં ઘટાડો થયો છે. સિક્કિમમાં નાથુલા, કુપુપ અને ત્સોમગો (ચાંગુ) તળાવ અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં સિક્કિમમાં હવામાન વધુ બગડવાની સંભાવના માટે રેડ એલર્ટ જારી કર્યું છે. સિક્કિમના ઘણા વિસ્તારોમાં હાલમાં બરફ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, અને પ્રવાસીઓને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.ઉત્તરાખંડમાં હવામાન સામાન્ય રીતે સ્વચ્છ અને ઠંડુ રહેવાની ધારણા છે. રાજ્યના પહાડી વિસ્તારોમાં સવારે ઠંડા પવનો ફૂંકાશે અને ઘણી જગ્યાએ તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટી શકે છે. વધુમાં, બપોરે હળવો સૂર્યપ્રકાશ રહેશે, જેનાથી વાતાવરણ ખુશનુમા બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, હરિદ્વાર, ઋષિકેશ અને હલ્દવાની જેવા વિસ્તારોમાં સવારે ઠંડીનો અનુભવ થશે, જ્યારે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે.દક્ષિણ ભારત સહિત અનેક રાજ્યો ચક્રવાત મોન્થાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. મોન્થાના કારણે થયેલા ભારે વરસાદને કારણે તેલંગાણાના વિવિધ ભાગોમાં વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશના ઉર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, મોન્થાએ રાજ્યમાં આશરે ૧૩,૦૦૦ વીજ થાંભલા, ૩,૦૦૦ કિલોમીટર લાંબી કંડક્ટર લાઇન અને ૩,૦૦૦ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું છે. ઓડિશા અને બંગાળમાં પણ મોન્થાના કારણે ભારે વિનાશ જાવા મળી રહ્યો છે.








































