‘લોભીનું ધન ધુતારા ખાય’ કહેવતને સાચી સાબિત કરતો વધુ એક કિસ્સો અમદાવાદના ઇસનપુરમાં બનવા પામ્યો છે. જ્યાં એક કાપડના વેપારી પાસે ગઠીયાએ ‘રૂ.૬ લાખની જરૂરિયાત છે, તેના બદલામાં મારું મકાન તમને ગીરવે આપુ છું અને દર મહીને ભાડાપેટે રૂ.૧૨ હજાર આપીશ તથા મારા શેરબજારના ધંધામાં રૂ.૫ લાખનું રોકાણ કરો, દર મહીને રૂ.૨૫ હજાર આપીશ’ તેવી લાલચ આપીને કુલ રૂ.૧૧ લાખ પડાવી લીધા હતા અને થોડા મહિના બાદ રૂપિયા આપવાનું બંધ કરીને ઠગાઈ આચરી હતી. વેપારી સતત ત્રણ વર્ષ સુધી ગઠીયા પાસે રૂપિયા માંગ્યા પરંતુ રૂપિયા નહી આવતા આખરે વેપારીએ ગઠીયા વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના જમાલપુરમાં રહેતા અને કાપડનો વેપાર કરતા વેપારી ફૈયાજખાન પઠાણ વર્ષ ૨૦૨૩માં તેના મિત્રની જોડે ખમાસા પાસે નોટરીની ઓફિસે કામથી ગયા હતા. તે વખતે ફૈયાજખાન મિત્રે નોટરીની ઓફિસમાં હાજર અલીમુદ્દીન નીઝામી સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ અલીમુદ્દીને હાથ ઉછીના રૂપિયા ૬ લાખ ફૈયાજખાન પાસે માંગ્યા હતા. અને તેના બદલામાં શાહઆલમમાં બુરહાની ફ્લેટમાં રહેલો તેમનો ફ્લેટ ફૈયાજખાનને ગીરવે આપીને તેનુ દર મહીને રૂ.૧૨ હજાર ભાડું આપવાની વાતચીત થઇ હતી.
તે વખતે વેપારીએ વિચારીને જણાવીશ તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ ૨૦૨૩ના નવેમ્બર મહિનામાં વેપારીએ અને ફૈયાજખાન વચ્ચે સોદો નક્કી થતા ૨૪ મહિનાનો કરાર કરવામાં આવ્યો હતો અને ફૈયાજખાને તેના મિત્રના એકાઉન્ટમાંથી રૂ.૬ લાખ અલીમુદ્દીન નીઝામીના બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ચારેક મહિના સુધી ગીરવે મુકેલ મકાનનું ભાડું પણ મળી રહેતું હતું.
આ દરમિયાન વેપારીના મોબાઈલમાં અલીમુદ્દીન નીઝામીનો ફોન આવ્યો અને શાહઆલમ પાસે મળવા બોલાવ્યો અને જણાવ્યું કે હું શેરબજારનું મોટું કામકાજ કરું છું. તમે મારા ધંધામાં રૂ.૫ લાખનું રોકાણ કરશો, તો હું તમને દર મહીને રૂ.૨૫ હજાર આપીશ. આ સંભાળીને વેપારી લલચાઈ ગયો અને બીજીતરફ અગાઉ આપેલા રૂપિયાનું ભાડું પણ સમયસર આવતું હોવાથી અલીમુદ્દીન નીઝામી ઉપર વિશ્વાસ વધુ મજબુત બની ગયો હતો. એટલે વેપારીએ તેની સાળીઓ પાસેથી રૂ.૫ લાખ ઉછીના લઈને આરોપી અલીમુદ્દીન નીઝામીને આપ્યા હતા.
ત્યારબાદ થોડા મહિના સુધી આરોપીએ વેપારીને મકાનના ભાડાના રૂ.૧૨ હજાર અને શેર બજારમાં રોકાણ કરેલા રૂપિયાના વળતર પેટે રૂ.૨૫ હજાર આપતો રહ્યો અને બાદમાં અચાનક જ રૂપિયા આપવાના બંધ કરી દીધા હતા. એટલે વેપારી અલીમુદ્દીન નીઝામીને ભાડા અંગે રોકાણ અંગે મળતા વળતરની રકમ આપવા માટે પૂછવા ગયો હતો. આરોપીએ હાલ શેર બજારમાં માટે નુકશાન થયું છે એટલે રૂપિયા નહી મળી શકે અને મકાનના રૂપિયા પણ નહી મળી કહીને ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપી દીધો હતો. ત્યારબાદ વેપારીએ તપાસ કરાવતા માલુમ પડયુ કે અલીમુદ્દીન નીઝામીએ તેનું મકાન જે પોતાની પાસે ગીરવી મુક્યુ હતું તે તો બીજા અન્ય કોઈને વેચી દીધું છે. એટલે વેપારીને ખ્યાલ આવી ગયો કે તેની સાથે ઠગાઈ આચરવામાં આવી છે. બાદમાં વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે રૂ.૧૧ લાખની ઠગાઈ આચરનાર અલીમુદ્દીન નીઝામી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.










































