વડોદરાની સરકારી જમીન મામલે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની કાનૂની લડત હવે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સુધી પહોંચી ગઈ છે. સિંગલ જજ દ્વારા અરજી ફગાવાયા બાદ યુસુફ પઠાણે હવે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી છે, જેની સુનવણી આવનારા સમયમાં થશે.
પ્રસ્તુત કેસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન સાથે જોડાયેલો છે, જ્યાં વર્ષ ૨૦૧૨માં યૂસુફ પઠાણે પ્લોટ ફાળવવા અરજી કરી હતી. ફસ્ઝ્રએ પ્લોટનું મૂલ્યાંકન કરીને અંદાજે રુ.૫.૬૦ કરોડ કિંમત નક્કી કરી અને પ્રક્રિયા આગળ ધપાવી, પરંતુ જાહેર હરાજી વગર જમીન ફાળવવા માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હોવાનું જણાવાયું હતું. વર્ષ ૨૦૧૪માં રાજ્ય સરકારે આ પ્રસ્તાવ નકારી દીધો હતો. ત્યારબાદ ૨૦૨૪માં વીએમસીએ પઠાણને પ્લોટ પરના દબાણ દૂર કરવા નોટિસ આપી અને જમીન ફાળવવાનો નિર્ણય પણ નામંજૂર કર્યો. આ નિર્ણયને પડકારતી અરજી પઠાણે હાઈકોર્ટમાં કરી હતી.
સિંગલ જજ સમક્ષ સુનવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર પાસે કોઈ કાયદેસર ફાળવણી પત્ર કે કબજાનો હક નથી, છતાં તેમણે પ્લોટ પર બાઉન્ડ્રી વોલ બનાવીને કબજા જમાવ્યો હતો, જે દબાણ સમાન ગણાય. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જાહેર હરાજીની પ્રક્રિયા ટાળીને જમીન ફાળવવી યોગ્ય નથી અને અરજદારને કોઈ કાયદેસર હક નથી.
કોર્ટએ વધુમાં નોંધ્યું હતું કે જાહેર પ્રતિનિધિ અને જાણીતી વ્યક્તિ તરીકે યૂસુફ પઠાણ પર કાયદાનું પાલન કરવાની વધુ જવાબદારી છે. બજાર ભાવ ચૂકવવાની તૈયારી દર્શાવ્યા છતાં કોર્ટે તેને માન્યતા આપી નહોતી અને અરજી ફગાવી દીધી હતી. જાકે ૨૦૧૪થી ૨૦૨૪ સુધી વીએમસી દ્વારા કાર્યવાહી ન થવાને કારણે કોઈ દંડ લાદવામાં આવ્યો નહોતો.
અરજદાર તરફથી વકીલ વી.બી. ભટ્ટે દલીલ કરી હતી કે જીપીએમસી એક્ટના સેક્શન ૭૯ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની મિલકત ફાળવવાનો અધિકાર છે અને રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નથી. તેમણે દાવો કર્યો કે વીએમસીએ રાજ્ય સરકારના નિર્ણય અંગે સમયસર માહિતી આપી નહોતી અને નોટિસ પણ ગેરકાનૂની છે.
બીજી તરફ વીએમસીએ કોર્ટમાં જણાવ્યું હતું કે જાહેર હરાજી વગર જમીન ફાળવવાની પ્રક્રિયા હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હતી અને અરજદારને આ બાબતે પહેલેથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ અરજદાર પાસે કોઈ કાયદેસર કબજા કે બાંધકામની મંજૂરી નથી, છતાં તેમણે પ્લોટ પર શેડ અને કમ્પાઉન્ડ વોલ બનાવી છે.હવે સિંગલ જજના આ ચુકાદા સામે યૂસુફ પઠાણે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરતાં કેસને નવો વળાંક મળ્યો છે. હાઈકોર્ટ હવે આ મામલે શું નિર્ણય લે છે તે ઉપર સૌની નજર રહેશે.









































