‘‘ભાઈ! કાંઈક વધેલું, પડેલું ખાવાનું હોય તો આપજો ને!! બે દિવસથી ભૂખ્યો છું. તમારી મોટી મહેરબાની થાહે. ભગવાન તમારું હારું કરશે, અને તમારું અભરે ભરાહે.’’ બોસ અને અમથાલાલને થયું કે ‘આપણે ન્યા માંગણ કે ભીખારી જલ્દી આવતો નથી. અને આમ અચાનક કોઈ ભીખારી કેમ આવી ચડયો? ”અત્યારે તો ઠેક ઠકાણે ચૂંટણીનાં માંડવા તાણેલા છે. ઠેક -ઠકાણે ગાંઠિયા અને ભજીયાના પ્રોગ્રામ હાલે છે. છતાંય આ ભીખારી બે દિવસથી ભૂખ્યો છે? કારણ??’ અમથાલાલને લાગ્યું કે ‘‘અવાજ કદાચ જાણીતો હોય એવું મારું અનુમાન છે.’’ત્યાં બનેવીલાલ આવી પુગ્યા. ‘‘તમારી વાત હાચી છે, અમથાલાલ. ધાર કાઢીને બોલે છે. ઈ અવાજ છે જાણીતો. પણ..પણ..! કોણ હોઈ શકે?’’ અવાજ મોટો થયો. માણસ ઓરો આવ્યો.. ‘‘લે..લે..એ..! આતો આપણો બેરાલાલ!! બેરાલાલ ? આવી દશા કેમ થઈ? ઘરવાળી ગામતરે ગયાં છે? કે પછી…’’ ‘‘આખું ગામ જાણે છે. ગામતો શું આખો દેશ જાણે છે. અને તમને ખબર નથી?’’ ‘‘તું વાત કરે તો ખબર પડે ને !! અમે થોડાં જ અમેરિકાના માથાં ફરેલાં રાષ્ટ્રપતિ છીએ!! કે આખાં જગતની ખબર રાખે. અને ચંચુપાત પણ કરે. અને નકુચામા આંગળી આવી જાય ત્યારે ત્રણ બદામના પાગીયાની હોડમાં ઘરે. પણ? તારી આવી હાલત કરી કોણે? થઈ કેમ??’’ ‘‘મોદી સરકારે. બીજું કોણ હોય!?’’ ‘‘બેરાલાલ હાંભળવાની તકલીફ વધી તો નથી ગઈને? મશીન બશીન બરાબર કામ કરે છે ને??’’ ‘‘હા ભાઈ હા! બધું જ બરાબર છે.’’ ‘‘તો પછી આવી હાલત??’’ ‘‘કીધું તો ખરું!! મોદી સરકાર.’’ ‘‘જરાં માંડીને વાત કરશો બેરાલાલ?’’ ‘‘મહિલા અનામત સંશોધન બીલ. બચાડાને જાજો અનુભવ નહીં. અને ઉતાવળે આ બીલ લોકસભામાં રજૂ કર્યું. અને સરવાળે મોદી સરકાર હારી ગઈ. સરકાર બન્યા પછી આ પહેલી હાર થઈ. કુંવારો છોકરો, છોકરી જોવામાં ભેડવાઈ જાય, એમ ભેડવાઈ ગયાં.’’
‘‘પણ બેરાલાલ તમારે અને આ બીલને શું લાગે વળગે? તમે ક્યાં રાજકારણમાં છો?? અને જો આવું જ હાલ્યું તો આ હારવાની શરૂઆત છે. ઓલ્યા મહારાષ્ટ્રમાં હું બન્યું તું ઈ યાદ છે? ’’ ‘‘એજ તો વાંધો છે ને!! આપણને મતદારોને જાજુ યાદ જ રહેતું નથી. આપણે ખાવાં પીવા એક તો ઘર હોય. એની ઘોડે ઠેક -ઠકાણે ઘર તો નો હોય!!’’ ‘‘હા પણ, ધાર કાઢીને થયું શું? એ તો કહો.’’
બનેવીલાલે મૂળ મુદ્દો કહ્યો. ‘‘ઘરવાળીએ ઘરમાંથી કાઢી મૂક્યો.’’
‘‘કારણ?’’
‘‘એમણે કહ્યું, તમે પુરુષ જાત બધાં એક હરખા છો. અમારી ૩૩ ટકા અનામત નો થાવા દીધી. અમે ગાંધીનગર , દિલ્હી જાઈ એમાં તમને વાંધો શું હતો!? હવે રખડો ચોરનાં માથાંની જેમ.’’
‘‘અરે…! બેરાલાલ, તારે ધાર કાઢીને કહેવાય ને કે, ઘરમાં તો તમારું હાલે છે. બહાર તો ક્યારેક અમારું હાલવા દો !!’’
‘‘તમે શું માનો છો? મેં નહીં કીધું હોય!? પણ, અસર કોને થાય? આપણી સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦ ટકા અનામત જોઈને એમને મોટી ચૂંટણીમાં ૩૩ ટકાના ગલગલિયાં થયાં હશે. એને ધારાસભા અને સંસદસભાના સપના આવતાં હશે.એટલે જ મારી એ દલીલના આ હાલ તમે જોયાં?
બે દિવસથી પેટમાં કાંઈ નાંખ્યું નથી.’’
‘‘અરે.. બેરાલાલ ! અત્યારે ઠેક- ઠેકાણે ગાંઠિયા અને ભજીયાના તાવડા મંડાઈ ગયાં છે. ગમે ત્યાં નાસ્તો કરી લેવાય ને !!’’
‘‘બનેવીલાલ! ચૂંટણી હારું તો હા થયું છે. વળી ચૂંટણી વાળાનુ પેટમાં પધરાવું !??
તો તો મને હરગમા તો ઠીક નરકમા ‘ય જગ્યા નો મળે.
ભલે ગરીબનો રોટલાંનો ટૂંકડો અને છાસ મળે. પણ..’’
‘‘તમારી વાત હાચી છે, બેરાલાલ ધાર કાઢીને. પણ, મને એક વાત નો હમજાણી.’’
‘‘પોણી રા ‘માણ પુરી થઈ ગઈ, તોય સીતા નો હમજાણી!?’’
‘‘બેરાલાલ ઈ સીતા હતી. અને આ શ્વેતા છે. ફરક તો આવે ને!! પણ આ હંધીય બાયુને ચૂંટણી લડીને જાવું છે ક્યાં?’’
‘‘હવે ઈ તો ખબર નથી. પણ હંધીય બાયુને ચૂંટણી લડવી છે. ઈ વાત પાક્કી છે.’’
‘‘ઘરે આપણી હામે લડતાં લડતાં ચૂંટણી ભલે લડે. પણ એને ચૂંટણીનો ‘ચ ‘ખબર છે? નિશાનનો ‘ન’ ખબર છે? પક્ષનો ‘પ’ ખબર છે?? (કોક કોકને )મત દેવાની ખબર પડતી નથી. ને, ઉમેદવાર બની ગયાં છે.
હવે આવી બાબતોમાં આપણે તો કાચા પાકાં કેવા’ય. પણ ઓલ્યા ટી.વી.વાળા વેલણ જેવાં ઠુંઠા લયને નથી નીકળતાં /તા!? ઈ તો તૈયાર હોય ને!!? એક જગ્યાએ એક સ્ત્રી ઉમેદવારને એમણે પ્રશ્ન પુછ્યો.
‘‘બેન તમે ક્યાં પક્ષમાંથી ઊભાં છો?’’
જવાબમાં ચૂંદડીનો છેડો હાથમાં અને માત્ર ખંધુ હાસ્ય.
‘‘બેન તમારું નિશાન શું છે?’’
હાસ્ય.. હાસ્ય..!
‘‘બેન તમારી સીટનુ નામ શું છે??’’
ડોલતાં ડોલતાં,હાસ્ય.. હાસ્ય.. હાસ્ય..!!
‘‘તો પછી, આવી બાયુ ચૂંટણીમાં જીતીને કરશે હું? ’’
‘‘ઈ તો એનો હગો જાણે. પક્ષ જાણે, અને વધ્યું ઘટ્યું મોદી સરકાર જાણે. પણ તમે મહારાષ્ટ્રનું ધાર કાઢીને શું કહેતાં હતાં?’’
‘‘ભરોસાની ભેંહ પાડો જણે. નાંદેડ નગર પાલિકામાં એક બાહુબલીએ એમનાં પરિવારને છ ટિકિટ આપી દીધી. પોતે, પત્ની ગોદાવરી. ભાઈ સચિન,ભાભી સુપ્રિયા. સાળો યુવરાજ અને ભત્રીજાની પત્ની રીના.
હા.જ.પ.મા પરિવાર વાદ નથી. છતાંય આવું હકાવી લેવું પડે છે.’’
‘‘એટલે તમારું કે’વાનું એમ છે કે, આ પડતીની નિશાની છે?’’
‘‘હવે ઈ તો મતદારો જ નક્કી કરશે. પણ , કુટુંબ, પરિવાર અને સમાજની પડતીની નિશાની ચોક્કસ છે. ભાઈ હામે ભાઈ, દેરાણી હામે જેઠાણી, સાસુ હામે વહું, વહું હામે વડ સાસુ.’’
‘‘હા પણ ,આ હંધાય ચૂંટાયને જાહે ક્યાં!?’’
‘‘ફોટા માયલા ખટારામા ચડી જાહે.’’kalubhaibhad123@gmail.com








































