રાજસ્થાનના પહાડી કિલ્લા ઉત્તર-પશ્ચિમ ભારતના રાજસ્થાનમાં છ ઐતિહાસિક કિલ્લાનો સમૂહ છે. તેમને શ્રેણીબધ્ધ એકત્ર કરી ૨૦૧૩માં યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કર્યા છે. પહાડી કિલ્લા શ્રેણીમાં સામેલ (૧) રાજસમંદનો કુંભલગઢ કિલ્લો, (૨) જયપુરનો આમેર કિલ્લો, (૩) ચિત્તોડગઢનો ચિત્તોડ કિલ્લો, (૪) જેસલમેરનો જેસલમેર કિલ્લો, (૫) સવાઈ માધોપુરનો રણથંભોર કિલ્લો અને (૬) ઝાલાવાડનો ગાગરોન કિલ્લો એ જાણીતા અને પ્રાચીન કિલ્લા છે.
રાજસ્થાનમાં ટેકરીઓ અને પર્વતીય ભૂપ્રદેશ પર સોથી વધુ કિલ્લેબંધી છે. ‘રાજસ્થાનના પર્વતીય કિલ્લા’ યુનેસ્કોને અરવલ્લી પર્વતમાળામાં ૫ રાજપૂત કિલ્લા દ્વારા રચાયેલી શ્રેણીબધ્ધ મિલકતરુપે રજૂ કરવામાં આવ્યા હતા અને ૫મી અને ૧૮મી સદી દરમિયાન વિવિધ રાજ્યોના રાજપૂત રાજાઓ દ્વારા નિર્માણ કરાવ્યા હતા.આ કિલ્લામાંના કેટલાક કિલ્લામાં ૨૦ કિમી લાંબી રક્ષણાત્મક કિલ્લેબંધી દિવાલ છે, જે હજુ પણ શહેરી કેન્દ્રોમાં ટકેલી છે અને ઉપયોગમાં લેવાતી પાણી સંગ્રહ પધ્ધતિ છે.
રાજપૂતો સ્થાપત્ય ગ્રંથોનું પાલન કરતા હતા, જે તેમની ભૂગોળના આધારે કિલ્લાના વિવિધ પ્રકારનું વર્ગીકરણ કરતા હતા. પ્રાચીન સાહિત્યિક સંદર્ભમાં ૪ પ્રકારના કિલ્લાનો સમાવેશ થાય છે; ટેકરી પરના કિલ્લા, પાણીના કિલ્લા, વન કિલ્લા અને રણ કિલ્લા. વિશ્વ ધરોહર સ્થળોની આ શ્રેણી માત્ર રાજસ્થાનના ટેકરી પરના કિલ્લા પર બનાવી હતી. જેમાં ઘણા કિલ્લા ફક્ત ટાઇપોલોજીના આધારે બાકાત રાખ્યા હતા. જેમ કે જૂનાગઢ કિલ્લો જે જમીનનો કિલ્લો છે. જે કિલ્લાઓ શહેરી વસાહત માટે બનાવ્યા નહોતા તેમને બાકાત રાખ્યા હતા.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે નોંધેલા કિલ્લાના આધારે રાજસ્થાનના કિલ્લાની યાદી બનાવી હતી. સેંકડો કિલ્લામાંથી, ૫૪ કિલ્લાની સઘન તપાસ કરાઇ હતી, કેમ કે તેમાં રાજપૂત લશ્કરી સ્થાપત્યની અભિન્ન લાક્ષણિકતાઓ હતી.
(૧) કુંભલગઢ કિલ્લો: ભારતની મહાન દીવાલ તરીકે ઓળખાતો કુંભલગઢ કિલ્લો, અરવલ્લી પર્વતમાળાની પશ્ચિમી શ્રેણી પર આવેલ મેવાડનો કિલ્લો છે. આ કિલ્લો વિશ્વના સૌથી મોટા કિલ્લા સંકુલોમાંનો એક છે. પુરાવાના અભાવે કિલ્લાનો પ્રારંભિક ઇતિહાસ જાણી શકાતો નથી. રાણા કુંભાએ નવો કિલ્લો બનાવ્યો તે પહેલાં, એક નાનો કિલ્લો હતો, જે નાના ડુંગરાળ વિસ્તાર સુધી મર્યાદિત હતો, જે મૌર્યના રાજા સંપતિએ નિર્માણ કરાવ્યો હોવાનું મનાય છે, જે મત્સ્યેન્દ્ર દુર્ગ તરીકે ઓળખાતો હતો. હાલ જે કિલ્લો જોઈએ છીએ તે સિસોદિયા રાજપૂત કુળના રાણા કુંભાએ નિર્માણ કરાવ્યો હતો. રાણા કુંભાએ તે યુગના પ્રખ્યાત સ્થપતિ, “મંડન”ની મદદ લીધી હતી. તેમના શાસનમાં આવેલા ૮૪ કિલ્લામાંથી, રાણા કુંભાએ તેમાંથી ૩૨ કિલ્લા બનાવ્યા હોવાનું કહેવાય છે, જેમાંથી કુંભલગઢ સૌથી મોટો અને સૌથી વિસ્તૃત છે. કુંભલગઢ કિલ્લાનો વિશાળ દરવાજો, જેને રામ પોલ (રામ દરવાજો) કહે છે. કિલ્લાની અંદર ૭૦થી વધુ મંદિર છે, જેમાં જૈન અને હિન્દુ એમ બંને ધર્મના મંદિરો છે.
(૨) આમેર કિલ્લો:આમેર કિલ્લો જે આમેરમાં આવેલો એક કિલ્લો છે. ટેકરી પર ઉંચાઈ પર સ્થિત આવેલો આ કિલ્લો જયપુરનું મુખ્ય આકર્ષણ છે.આમેર કિલ્લો તેની કલાત્મક શૈલી માટે ખાસ જાણીતો છે. અહીંના મોટા કિલ્લા અને દરવાજાની શ્રેણી અને કાંકરીવાળા રસ્તા સાથે, આ કિલ્લોમાં ઓટા તળાવને જુએ છે, જે આમેર મહેલ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આમેર એક મીના રાજ્ય હતું, જેના પર સુસાવત કુળનું શાસન હતું. જેને હરાવ્યા પછી, દુલ્હેરાઈના પુત્ર કાકિલ દેવે ખોહ પછી અંબેરને ધુંધરની રાજધાની બનાવી. આમેર કિલ્લો મૂળ રાજા માન સિંહે નિર્માણ કરાવ્યો હતો. જયસિંહે તેનો વ્યવસ્થિત વિસ્તાર કર્યો. એ પછીના ૧૫૦ વર્ષોંમાં શાસકો દ્વારા સુધારા-વધારા કરવામાં આવ્યા, જ્યાં સુધી ૧૭૨૭માં સવાઈ જય સિંહના સમય દરમિયાન કછવાહોએ તેમની રાજધાની જયપુર ખસેડી હતી.
(૩) ચિત્તોડ કિલ્લો: ચિત્તોડ કિલ્લા તરીકે ઓળખાતો ભારતનો આ સૌથી મોટો કિલ્લો છે. આ કિલ્લો પહેલાં મેવાડની રાજધાની હતો અને હાલ ચિત્તોડગઢ શહેરમાં સ્થિત છે . તે બેરાચ નદી દ્વારા વહેતી ખીણના મેદાનોથી ઉપર ૨૮૦ હેક્ટર (૬૯૧.૯ એકર) વિસ્તારમાં ફેલાયેલી ૧૮૦ મીટર (૫૯૦.૬ ફૂટ) ઊંચાઈવાળી ટેકરી પર ફેલાયેલો છે. ચિત્તોડગઢનું મૂળ નામ ચિત્રકૂટ હતું. કહેવાય છે કે આ કિલ્લાનું નિર્માણ સ્થાનિક મોરી રાજપૂત શાસક ચિત્રાંગદ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું .એક દંતકથા અનુસાર,કિલ્લાનું નામ તેના નિર્માતા પરથી પડ્યું છે. બીજી લોક દંતકથા મુજબ, કિલ્લાના નિર્માણનું શ્રેય સુપ્રસિધ્ધ નાયક ભીમને આપતા જણાવે છે કે, ભીમે અહીં જમીન પર પ્રહાર કર્યો હતો, જેના પરિણામે પાણીનો પ્રવાહ વહેતો થયો અને એક મોટું જળાશય બન્યું હતું. ભીમે બનાવેલ જળસ્ત્રોત ભીમતાલ કુંડ નામનું કૃત્રિમ તળાવ છે. જયમલ પટ્ટા તળાવ કિનારે ૯મી સદીના ઘણા નાના બોધ્ધ સ્તૂપ મળ્યા હતા, જે લિપિ પર
આધારિત હતા.
(૪) જેસલમેર કિલ્લો: જેસલમેર શહેરમાં આવેલો આ કિલ્લો વિશ્વના ખૂબ ઓછા ‘જીવંત કિલ્લા’માંનો એક કિલ્લો મનાય છે
(જેમ કે કાર્કાસોન,ફ્રાન્સ ), કારણ કે જૂના શહેરની વસ્તીનો લગભગ એક ચતુર્થાંશ વસ્તી હજુ પણ કિલ્લામાં વસે છે. આ કિલ્લો રાજસ્થાનનો બીજો સૌથી પ્રાચીન કિલ્લો છે, જે ૧૧૫૬ ADમાં રાજપૂતોએ નિર્માણ કરાવ્યો હતો. એક દંતકથા અનુસાર, આ કિલ્લો ૧૧૫૬ CEમાં ભાટી રાજપૂત રાવલ જેસલ દ્વારા નિર્માણ કરાયો હતો. એક કથા મુજબ, લોધ્રુવ ખાતેના પહેલાંના બાંધકામથી જેસલ અસંતુષ્ટ હતો અને જ્યારે જેસલે જેસલમેરની સ્થાપના કરી ત્યારે નવી રાજધાની સ્થાપિત થઈ હતી.
(૫) રણથંભોર કિલ્લો : રણથંભોર કિલ્લો એ એક પહાડી કિલ્લો છે, જે સવાઈ માધોપુરની નજીક રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલો છે. આ કિલ્લા પર બત્રીસ ખાંબા આવેલા છે, આ એક ભયંકર કિલ્લો છે, જે રાજસ્થાનના ઐતિહાસિક વિકાસનું કેન્દ્રબિંદુ ગણાય છે. જો કે, રણથંભોર કિલ્લાનું ચોક્કસ મૂળ હજુ પણ વિવાદિત છે, પરંતુ સામાન્ય રીતે એવું સ્વીકારવામાં આવે છે કે કિલ્લાના સ્થળે ૮મી સદીમાં એક વસાહત હતી. આ કિલ્લાનું નિર્માણ ચાહમન દ્વારા કરાયું હોવાનું માનવામાં આવે છે. એવું મનાય છે કે કિલ્લાનું બાંધકામ ૧૦મી સદીના મધ્યમાં શરૂ થયું હતું અને પછી થોડી સદી સુધી ચાલુ રહ્યું હતું. ૧૩મી સદીમાં દિલ્હી સલ્તનતે થોડા સમય માટે તેના પર કબજો કર્યો હતો. આ કિલ્લો આસપાસના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનને મનોહર દૃશ્ય પ્રદાન કરે છે અને લોકપ્રિય પ્રવાસી આકર્ષણ બની રહ્યો છે.
(૬) ગાગરોન કિલ્લો: ગાગરોંન કિલ્લો ઝાલાવાડ જિલ્લામાં એક ટેકરી પર આવેલો કિલ્લો છે. આ કિલ્લો ટેકરી અને પાણીના કિલ્લાનું બેનમૂન ઉદાહરણ છે. આ કિલ્લો બારમી સદીમાં બિજલદેવ સિંહ ડોડ ( રાજપૂત રાજા) દ્વારા નિર્માણ કરાયો હતો. પાછળથી, આ કિલ્લા પર શેર શાહ અને અકબરનું નિયંત્રણ રહ્યું હતું. આ કિલ્લો આહુ નદી અને કાલી સિંધ નદીના સંગમસ્થાન પર નિર્માણ કરવામાં આવ્યો હતો.આ કિલ્લો ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો અને ચોથી બાજુ ખાઈથી ઘેરાયેલો છે, તેથી આ કિલ્લો ‘જલદુર્ગ’ના નામે પણ ઓળખાય છે.આ કિલ્લાએ ૧૪ યુધ્ધો અને રાણીઓના ૨ જૌહર જોયાં હોવાનું પણ કહેવાય છે.
sanjogpurti@gmail.com











































