રાજુલા શહેરમાં બે વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અને અરજદારો તેમજ સ્ટાફમાં લોકપ્રિય બનેલા પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરાને નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે પ્રમોશન મળ્યું છે. તેમની પાટણ ખાતે બદલી થતા હોટલ દર્શન ખાતે એક ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારી, લાઠી, અમરેલી અને સાવરકુંડલાના પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી, રાજુલા-જાફરાબાદના પોલીસ ઇન્સ્પેક્ટરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને મહેસુલી કર્મચારી મંડળના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોએ ડો. બરાસરાની લોકહિતની ઉત્કૃષ્ટ કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.









































