મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના રાંઝી પોલીસ સ્ટેશન હેઠળના ન્યૂ શોભાપુરમાં શનિવારે મોડી રાત્રે એક સનસનાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ભાજપના એક મહિલા નેતા સંગીતા રજકનું પોતાની જ લાયસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મીક રીતે ગોળી છૂટી જતાં કરૂણ મોત નીપજ્યું છે. આ દર્દનાક અકસ્માત બાદ સમગ્ર વિસ્તારના રાજકીય વર્તુળોમાં શોકની લહેર દોડી ગઈ છે અને હોસ્પીટલ ખાતે સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકર્તાઓના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.
મળતી માહિતી મુજબ, શનિવારે મોડી રાત્રે આશરે ૧ થી ૨ વાગ્યાની વચ્ચે સંગીતા રજકના ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકો જારજારથી ગાળાગાળી અને શોરબકોર કરી રહ્યા હતા. અવાજ સાંભળીને સંગીતા રજક તેમના પતિ બંટી રજક સાથે ઘરની બહાર આવ્યા હતા. પતિ-પત્નીએ જ્યારે હંગામો મચાવતા લોકોને ઠપકો આપ્યો ત્યારે માહોલ વધુ તંગ બની ગયો હતો. આ દરમિયાન સંગીતા રજક ગુસ્સામાં ઘરની અંદર ગયા હતા અને પોતાની લાયસન્સવાળી પિસ્તોલ લઈને પાછા બહાર આવ્યા હતા.
તણાવપૂર્ણ માહોલ વચ્ચે થયેલી અફરાતફરી અને હડબડાટમાં અચાનક પિસ્તોલનું ટ્રિગર દબાઈ ગયું હતું અને ગોળી સીધી સંગીતા રજકના પેટમાં વાગી હતી. ગોળી વાગતાની સાથે જ તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક હૈદરાબાદની ઓમેગા હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પીટલ પહોંચ્યા હતા અને શવનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
સંગીતા રજક ભાજપના સક્રિય નેતા હતા અને તેમણે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગોકલપુર વોર્ડમાંથી કાઉન્સીલર (પાર્ષદ) ની ચૂંટણી લડી હતી, જા કે તેમાં તેમની હાર થઈ હતી. તેઓ આગામી ચૂંટણી માટે પણ જારશોરથી તૈયારી કરી રહ્યા હતા. તેમના પતિ બંટી રજક પણ ધારાસભ્યના પ્રતિનિધિ રહી ચૂક્યા છે અને વીર સાવરકર મંડળમાં ઉપાધ્યક્ષ તેમજ બૂથ પ્રમુખ તરીકે કાર્ય કરી ચૂક્યા છે.
રાંઝી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો આકસ્મીક રીતે ગોળી ચાલવાનો હોવાનું જણાય છે, તેમ છતાં પોલીસ તમામ પાસાઓ પર બારીકાઈથી તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે થોડા દિવસો પહેલા જ કેટલાક અજ્ઞાત બદમાશોએ તેમના ઘર પર બોમ્બ ફેંક્યા હતા અને કારમાં તોડફોડ કરી હતી, જેની ફરિયાદ બંટી રજકે પોલીસમાં નોંધાવી હતી. પોલીસ હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે મોડી રાત્રે ઘર બહાર કઈ બાબતને લઈને વિવાદ થઈ રહ્યો હતો.