ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું બે વિરોધાભાસી ચિત્રો રજૂ કરી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરાપ (વરસાદનો વિરામ) લાંબો ખેંચાયો છે. આ વિષમ પરિસ્થિતિમાં ખરીફ પાકોને બચાવવા માટે વૈજ્ઞાનિક કાળજી ખૂબ જ જરૂરી છે.
ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના ઓગસ્ટ ૨૦૨૬ના તાજેતરના સાપ્તાહિક અહેવાલમુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૭૬,૧૭,૧૦૪ હેક્ટર (આશરે ૮૯.૨૯%) જમીન પર ખરીફ વાવેતર સંપન્ન થયું છે. રાજ્યમાં સરેરાશ૬૮૦.૧૮ મીમી (મોસમના ૭૪.૮૪%) વરસાદ નોંધાયો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ક્યાંક વરસાદ ખેંચાવાના કારણે મિશ્ર વાતાવરણ છે.
મુખ્ય પાકોનું વાવેતરઃ
• કપાસ (Cotton):૨૧,૩૫,૦૯૪ હેક્ટર (સામાન્ય વિસ્તારના ૮૯.૫૯%).
• મગફળી (Groundnut):૨૦,૫૮,૯૬૩ હેક્ટર (સામાન્ય વિસ્તારના ૧૦૭.૫૦%).
• સોયાબીન (Soybean):૩,૦૨,૪૧૦ હેક્ટર (સામાન્ય વિસ્તારના ૧૦૭.૫૧%).
• ડાંગર (Paddy):૮,૮૮,૪૯૪ હેક્ટર.
• તુવેર (Tur):૨,૬૧,૫૧૯ હેક્ટર
મુખ્ય પાકો અને હાલના વાતાવરણ આધારિત રાખવાની ખાસ કાળજી
૧) કપાસ (Cotton)
• સ્થિતિઃપાક હાલ ચાપવા અને જીંડવા બેસવાની અવસ્થામાં છે.
• કાળજીઃ
• સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જ્યાં વરસાદ ખેંચાયો છે ત્યાં જીવનરક્ષક પિયત (લાઈફ સેવિંગ ઈરિગેશન) આપવું.
• વાતાવરણ ભેજવાળું હોવાથીગુલાબી ઈયળ Pink Bollwrom નો ઉપદ્રવ શરૂ થઈ શકે છે, જેના માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
• દક્ષિણ ગુજરાતના પાણી ભરાયેલા ખેતરોમાંથી તુરંત નિકાલ કરવો જેથી મૂળ સડી ન જાય.
૨) મગફળી (Groundnut)
• સ્થિતિઃસુયારા બેસવા અને પોપટા ભરાવાની મહત્વની અવસ્થા.
• કાળજીઃ
• આ અવસ્થાએ મગફળીને ભેજની સૌથી વધુ જરૂર હોય છે. જો વરસાદ ન હોય તો સ્પ્રિંકલર કે અન્ય પધ્ધતિથી પિયત આપવું.
• પાકમાં આંતરખેડ (નડતરૂપ ઘાસ દૂર કરવું) બંધ કરવી જેથી સુયારા જમીનમાં સહેલાઈથી ઉતરી શકે.
• પાનના ટપકાં (ટીક્કા) અને ગેરુ રોગના નિયંત્રણ માટે યોગ્ય ફૂગનાશકનો છંટકાવ કરવો.
૩) સોયાબીન (Soybean)
• સ્થિતિઃફૂલ આવવાથી માંડીને શિંગો ભરાવાની અવસ્થા.
• કાળજીઃ
• આ પાકમાંપીળો મોજેઈક વાયરસ (Yellow Mosaic Virus)સફેદ માખી દ્વારા ફેલાય છે. સફેદ માખીના નિયંત્રણ માટે ચીકણા પીળા ચોસલા (Yellow Sticky Traps) લગાવવા અથવા ભલામણ કરેલ કીટનાશક છાંટવું.
• ફૂલ આવવાના મુખ્ય સમયે કીટનાશકોનો વધુ પડતો છંટકાવ ટાળવો. જેથી પરાગનયન કરતા મધમાખી જેવા જીવજંતુઓ સુરક્ષિત રહે.
૪) ડાંગર (Paddy)
• સ્થિતિઃફુટ આવવાની અથવાગાભે આવવાની શરૂઆત (Tillering to Panicle Initiation).
• કાળજીઃ
• દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ડાંગરના ક્યારામાં પાણીનું સ્તર જાળવી રાખવું.
• કંટી બેસવાની આ અવસ્થાએ નાઇટ્રોજન (યુરિયા) નો હપ્તો પૂર્તિ ખાતર તરીકે આપવો.
•ગાંઠિયો અળસિયો કે લશ્કરી ઈયળના ઉપદ્રવ સામે દેખરેખ રાખવી.
૫) શાકભાજીના પાકો (Vegetables)
• હાલની પરિસ્થિતિઃચોમાસુ શાકભાજી (ચોળી, ભીંડા, ગવાર, દૂધી, રીંગણ, મરચી) હાલ વૃદ્ધિ અને ફ્‌લાવરિંગ અવસ્થામાં છે.
• રાખવાની ખાસ કાળજીઃ
• પાણીનો નિકાલઃશાકભાજીના પાકો મૂળના સડા પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોવાથી ખેતરમાં પાણી ભરાવા ન દેવું.
• ચૂસિયા જીવાતોઃવાતાવરણના ભેજને કારણે થ્રિપ્સ, મોલો-મશી અને સફેદ માખીનો ઉપદ્રવ વધે છે. તેના નિયંત્રણ માટે લીંબોળીના તેલનો અથવા ભલામણ કરેલ હળવી કીટનાશકનો છંટકાવ કરવો.
• ડ્રોપિંગ અટકાવવાઃવધુ પડતા વરસાદથી ફૂલ ખરી ન પડે તે માટે પૂરતી વરાપ થવા દેવી.
૬) દિવેલા / એરંડા (Castro)
• હાલની પરિસ્થિતિઃદિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી ઓગસ્ટ માસ દરમિયાન તેની વાવણી અને પ્રારંભિક વૃદ્ધિની અવસ્થા હોય છે.
• રાખવાની ખાસ કાળજીઃ
• આંતરખેડઃશરૂઆતના ૩૦ થી ૪૦ દિવસ પાકને નીંદણમુક્ત રાખવો ખૂબ જરૂરી છે, જેથી છોડનો વિકાસ સારો થાય.
• ઘોડિયું ઈયળ (Semi-looper):પાન ખાનારી ઘોડિયું ઈયળની દેખરેખ રાખવી. શરૂઆતના સ્ટેજમાં ઈયળો હાથથી વીણીને નાશ કરવો.
• ખાતર વ્યવસ્થાપનઃજો વાવણી મોડી કરી હોય, તો પાયામાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન ખાતરનો યોગ્ય ડોઝ આપવો.
૭) મગ અને અડદ (Green Gram & Black Gram)
• હાલની પરિસ્થિતિઃચાલુ વર્ષે કઠોળનું વાવેતર ૧૦૦% ને પાર કરી ગયું છે. પાક હાલ શિંગો બેસવાની ખૂબ જ મહત્વની અવસ્થામાં છે.
•રાખવાની ખાસ કાળજીઃ
• ભેજની કટોકટીઃમગ-અડદ ટૂંકા ગાળાના પાક છે. શિંગો ભરાતી વખતે જો જમીનમાં ભેજ સુકાઈ જાય (વરસાદ ખેંચાય), તો પાક બળી જાય છે. આ સ્થિતિમાં હળવું પિયત આપવું જમીન માટે અમૃત સમાન બનશે.
• પીળો મોઝેક વાયરસઃઅડદઅને મગમાં પીળા પાન થઈ જવાનો રોગ (Yellow Mosaic) વધુ જોવા મળે છે. તે સફેદ માખીથી ફેલાતો હોવાથી તુરંત શોષક પ્રકારની કીટનાશક
દવાનો છંટકાવ કરવો.
• લણણી (Harvesting):વહેલા વાવેલા મગની શિંગો પાકી ગઈ હોય તો વરસાદની આગાહી જોઈને સમયસર વીણણી કરી લેવી જેથી દાણા કાળા ન પડી જાય. (ક્રમશઃ)