લીલીયા પોલીસ સ્ટેશન હેઠળના નાના લીલીયા ગામે રામજી મંદિર ખાતે લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. સાળુંકેના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં સરપંચ જીતુભાઈ લોઢણીયા, તાલુકા પંચાયત સદસ્ય રણજીતભાઈ ખુમાણ, પોલીસ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં ગામના કાયદો-વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ જુગાર, દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ, વ્યાજખોરી અને વધતા સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત APK એપ્લિકેશન તથા ૧૮૧ અને ૧૧૨ હેલ્પલાઇન અંગે માહિતી આપી જરૂરિયાત સમયે તેનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. કોઈ અસામાજિક પ્રવૃત્તિ કે ફરિયાદ હોય તો પોલીસને ખાનગી રીતે જાણ કરવા અપીલ કરાઈ હતી.