માનવ જીવન વ્યાધિ, ઉપાધિ અને આફતોથી ગૂંથાયેલું છે. આફતમાંથી અવસર શોધવો તે મનુષ્યનો નૈતિક ધર્મ છે. સમાજની વ્યવસ્થાને ફોલો કરવા માટે ડગલે અને પગલે કાળજી રાખીને ચાલવું પડતું હોય છે. આજના સોશિયલ અને ભૌતિકવાદમાં માનવતાવાદ મૃતપ્રાય અવસ્થામાં છે. પરિવારના લોકો જ શંકા અને સંદેહથી જોતા હોય છે. ગમે તેેટલા મહાદેવ મંદિર, ચર્ચ કે કબ્રસ્તાન જશો પરંતુ જ્યાં સુધી પારિવારિક ભાવના અંતરમાં વ્યાપસે નહીં ત્યાં સુધી બધું નિરર્થક છે. આજે ઘરમાં જ ભારત પાકિસ્તાનની જેમ રહેતા પરિવારો અનેક છે. અબોલા ઢોરની જેમ રહેતા લોકો માત્ર જીવે છે. માનવતા મરી પડવાની છે. શાંતિની શોધમાં માણસો પોતાનો દેહત્યાગ કરે છે. કંટાળો જ્યારે કાંટાળો બની જાય છે ત્યારે હૃદયની ધમનીમાં ખૂંચ્યા કરે છે. માત્ર પેટ ભરવું ઘરમાં રહેવું અને જીવન જીવવું એ માત્ર મૃત્યુ સૈયા તરફ જવાનો માર્ગ છે.સાસુ અને વહુના કલેહમાં પતિની વ્યથાએ માત્ર કથા બની જાય છે. આખો દિવસ કંટાળીને આવેલો પતિ પરમ શાંતિ માટે ઘરે આવે છે ત્યારે ત્યાં જ અશાંતિનું વાતાવરણ અને ભાવાવરણ હોય ત્યારે તે કઈ રીતે જીવી શકે.દરેક ઘરમાં મંથરા અને કૈકેયી જીવે છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. એટલે હું રોજ લખું છું કે હાયર એજ્યુકેશન આપવાની જગ્યાએ ઘરમાં કઈ રીતે પારિવારિક શાંતિ લાવવા માટે સાસુ, સસરા અને સંબંધીઓને સાચવી શકે તે જ સાચી લક્ષ્મી.
આવી આફતો વચ્ચે અવસર નિર્માણ કરવો ખૂબ અઘરો છે. ગઈકાલે રામાયણના કેટલાક એપિસોડ પુનઃ જોયા જેમાં માતા જાનકી અને ભગવાન રામચંદ્રએ સમાજની વ્યવસ્થાને જીવંત રાખવા માટે કેટલાય પડકારોને ઝીલવા પડયા અને તેનું સુખદ સમાધાન સમાજને બતાવ્યુ. દુઃખ અને સોનુ અગ્નિમાં તપે ત્યારે જ ઘરેણું બને છે. દુખ આવે ત્યારે ડરવું નહીં અને સુખ આવે ત્યારે છગવું નહીં.
રાજા રાવણનું અભિમાન પણ ટકયુ નહીં તો આપણે તો સામાન્ય માણસ છીએ. અહમના ઉંબરે ઊભેલી સ્ત્રી કેટલી રૂપાળી લાગતી હશે? શાસ્ત્રો અને શસ્ત્રો વચ્ચે તફાવત સમજવો હોય તો માનવતાવાદ કેન્દ્રસ્થાને રાખવો પડશે. મૃત્યુ થયા પછી ગમે તેટલી સામાજિક વ્યવસ્થા જાળવીએ પરંતુ જીવતા હોય ત્યારે તેમની સેવા કરવી તે જ ચારધામની યાત્રા સમાન છે. ડો. ઉષાબેન ભટ્ટ હંમેશા એવું કહેતા હતા કે સમજણમાં સુખ હોય છે. પતિ પત્નીના અહમ વાળા સ્વભાવના કારણે તેની અસર બાળકો પર પડે છે. ત્યાગ કરવાની અને સહન કરવાની સહનશીલતા ન હોવાના કારણે અનેક પ્રશ્નો ઉભા થાય છે. સમાજમાં સાસુઓનો પણ દોષ હોય છે. બંને પક્ષે તકલીફ હોવાથી પુરુષની શું હાલત થતી હશે તે આજના સમાજે વિચારવાની જરૂર છે? ઘરડા લોકો ખાનદાન જોતા હતા તેનું મૂળ કારણ આજ હતું. ખાનદાની ખોરડામાં હોય છે. મનુષ્ય દેહ મળ્યો છે એટલે આપત્તિઓ ડગલે અને પગલે આવવાની જ છે. એવા સમયે સ્થીતપ્રજ્ઞ રહીને આપત્તિઓને મહાદેવએ જેમ કંઠે વિષ ધર્યું તેમ સહન કરવી પડશે.
કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે ગુરૂ પરિવાર અને ભાઈઓ હતા તે સમયે ભગવાન કૃષ્ણએ તેને કર્મ કરો આ યુધ્ધ ભૂમિ છે. સામે રહેલા યોધ્ધાઓ દુશ્મન છે તેની સામે લાગણીઓના સંબંધો ક્યારે પણ કામ લાગશે નહીં એટલે કર્મ કરતા જાવ ફળની આશા રાખશો નહીં જે થવાનું છે તે નિશ્ચિત છે એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે તેનો સામનો કરવો જ રહ્યો? પરિસ્થિતિથી વામણા બનીશું તો સમાજ જીવવા દેશે નહીં. પરિસ્થિતિનો પ્રતિકાર કરવો તે જ કર્મ છે. આજીવન નાશવંત છે કોના માટે જીવવું અને કોના માટે મરવું તે નિર્ણય પ્રભુએ કરવાનો છે. કરેલા કર્મોની સજા મારે અથવા દુનિયાએ ભોગવવાની જ છે એટલે જે જીવન મળ્યું છે તેને નિજાનંદ સમજીને જીવવું જ રહ્યું. જે થવાનું છે તેને કોઈ રોકી શકવાનું નથી એટલે પ્રભુની ઈચ્છા જ સર્વોપરી હશે. આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા વર્ષો સુધી જેલમાં રહ્યા ત્યાં તેમને શાંતિ લાગતી હતી પરંતુ ઘરમાં રહેવું અને અશાંતિ અનુભવી તેના કરતા જેલ સારી તેવી અનન્ય અનુભૂતિ કરનારા અસંખ્ય લોકો છે.
દુઃખ, દર્દ અને વેદના અતિશય બની જાય ત્યારે માણસ જીવતી લાશ બની જાય છે. ક્યારેક બ્રેન સ્ટોક,એટેક ઈશ્વર આ સ્વરૂપે મોકલે છે અને ઉપર તેડાવી લે છે, હોય ત્યાં સુધી શાંતિ આપે નહિ અને પછી બંગડીઓ ફોડવાનો કોઈ અર્થ ખરો? સમાજની આ વરવી વાસ્તવિકતા છે એટલે મારા વાચક વર્ગને વિનંતી કે આફત આવે તો ડરવું નહીં તેનો મક્કમ મને સામનો કરવો રહ્યો….
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨











































