આધ્યાત્મિક નેતા દલાઈ લામાને હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં તેમના કાર્યાલયમાં આયોજિત એક સમારોહમાં તેમનો ગ્રેમી એવોર્ડ મળ્યો. આ એવોર્ડ તેમને ‘ધ્યાનઃ ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલિનેસ ધ દલાઈ લામા’ આલ્બમ માટે આપવામાં આવ્યો હતો. સરોદના વાદક અમજદ અલી ખાને તેમના પુત્રો, અમાન અલી અને અયાન અલી સાથે તેમને એવોર્ડ અર્પણ કર્યો.
અમજદ અલી ખાને મીડિયાને કહ્યું, “અમે અમારા પુત્રો, અમાન અલી બંગશ અને અયાન અલી બંગશ સાથે સરોદ વગાડ્યું છે. અમે દલાઈ લામાના અવાજ સાથે સરોદ વગાડીએ છીએ. તેથી જ અમે દલાઈ લામાને ગ્રેમી એવોર્ડ આપવા માટે અહીં આવ્યા છીએ.”
અયાન અલી બંગશે ગ્રેમી જીત અને દલાઈ લામા સાથેના સહયોગને આશીર્વાદ ગણાવ્યો. તેમણે કહ્યું, “અહીં હોવું અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે અને અમે ખરેખર ધન્ય અનુભવીએ છીએ. તે અમારા માટે આશીર્વાદ છે. અમે ખૂબ આભારી છીએ કે દલાઈ લામાએ આ પ્રોજેક્ટને તેમના આશીર્વાદ આપ્યા અને અમને તેનો ભાગ બનવાની મંજૂરી આપી. આ બધું તેમના આશીર્વાદને કારણે શકય બન્યું છે.”
શાસ્ત્રીય સંગીતકાર અયાન અલી બંગશએ આ પ્રસંગે કહ્યું, “આ વર્ષે અમે ગ્રેમી જીત્યો. ભગવાનની કૃપા ખૂબ જ દયાળુ છે. આ બધું દલાઈ લામાના આશીર્વાદને કારણે છે.”
દલાઈ લામાએ આ વર્ષની શરૂઆતમાં ઓડિયોબુક શ્રેણીમાં એવોર્ડ જીત્યો હતો. ફેબ્રુઆરીમાં આયોજિત સમારોહ દરમિયાન સંગીતકાર રુફસ વેનરાઈટે દલાઈ લામા વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.
એવોર્ડના જવાબમાં, દલાઈ લામાના કાર્યાલયે એક સંદેશ બહાર પાડ્યો જેમાં આધ્યાત્મિક નેતાએ કહ્યું, “હું આ સન્માનને કૃતજ્ઞતા અને નમ્રતા સાથે સ્વીકારું છું. હું તેને વ્યક્તીગત સિદ્ધિ તરીકે નહીં, પરંતુ આપણી સહિયારી વૈશ્વિક જવાબદારીની માન્યતા તરીકે જાઉં છું. મારું માનવું છે કે શાંતિ, કરુણા, આપણા પર્યાવરણની સંભાળ અને માનવતાની એકતાની સમજણ આઠ અબજ માનવજાતની સામૂહિક સુખાકારી માટે જરૂરી છે.” હું આભારી છું કે આ ગ્રેમી સન્માન આ સંદેશાઓને વધુ વ્યાપક રીતે ફેલાવવામાં મદદ કરી શકે છે.








































