વડીયા તાલુકાના ખાન ખીજડીયા ગામમાં છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી ચાર માનવભક્ષી શ્વાનોએ ફફડાટ ફેલાવ્યો હતો. આ હિંસક શ્વાનોએ સીમ વિસ્તારમાં શ્રમિકોના ચાર બાળકો પર જીવલેણ હુમલા કર્યા હતા, જેમાં બે નિર્દોષ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે અને એક બાળક હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહ્યું છે. આ ગંભીર બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું હતું. આખરે ગ્રામજનોનો આક્રોશ ભભૂકતા, તેઓએ બાળકોની સુરક્ષા માટે જાતે જ મોરચો સંભાળ્યો હતો. ગામલોકોએ ‘ભૂંડ પકડવાની ટીમ‘ની મદદથી સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ બે મુખ્ય આદમખોર શ્વાનોને ઝડપી લીધા હતા. જેમાંથી એક ખૂંખાર શ્વાન હુમલો કરવા દોડતા સ્વબચાવમાં મોતને ઘાટ ઉતારાયો હતો અને બીજાને બાંધી લેવાયો હતો. જોકે, હજુ પણ બે હિંસક શ્વાનો નાસી છૂટ્યા હોવાથી ખેડૂતો અને મજૂરોમાં ડરનો માહોલ છે. ગામના સરપંચ અશોકભાઈ દાફડાએ સરકારને રજૂઆત કરી છે કે આવી ઘટનાઓ ગામોગામ બનતી હોવાથી જિલ્લા મથકે ખાસ આવી ટીમોની રચના કરવામાં આવે જે આવા શિકારી શ્વાનોને પકડી શકે.