બગસરાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટ પર લાયબ્રેરીનું પાકું બાંધકામ અટકાવવા સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત અરજી આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ, આ ખુલ્લો પ્લોટ સામાજિક પ્રસંગો, બાળકોની રમત-ગમત અને વડીલો-મહિલાઓના બેસવા માટે રાખવામાં આવ્યો છે. સરકારી નિયમો અનુસાર સોસાયટીના સાર્વજનિક પ્લોટનો ઉપયોગ માત્ર ખુલ્લી જગ્યા તરીકે જ કરવાનો હોય છે અને ત્યાં કોઈ કાયમી બાંધકામ થઈ શકે નહીં. જો નિયમોનું ઉલ્લંઘન કરીને અહીં બાંધકામ શરૂ કરાશે તો સોસાયટીની મોકળાશ છીનવાઈ જશે અને ભવિષ્યમાં ટ્રાફિક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થશે. આથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો તમામ રહીશો ભેગા મળીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને ન્યાય માટે કાનૂની આશરો લેશે.